ભાવનગરઃ ભાવનગરમાં વર્ષો પૂર્વે સરકાર દ્વારા શિપ બનાવવા આલ્કોક એશડાઉન લિ. કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. આ કંપનીમાં ઘણી શિપ બની છે. આ કંપની ધમધમતી હતી ત્યારે તેમાં ઘણા કર્મચારીઓ નોકરી કરતા હતા, પરંતુ કંપની લાંબા સમયથી ખોટ કરતી હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. આ કંપની બંધ કરી દેવા ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે હુકમ કર્યો છે. આ હુકમના પગલે ૨૯મીએ આલ્કોક એશડાઉન કંપનીને સત્તાવાર બંધ કરી દેવાઈ છે. જોકે કંપનીને તાળા મારી દેવામાં આવતા કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો.
સરકાર હસ્તકની આલ્કોક એશડાઉન લિ.ને બંધ કરી દેવા માટે ૧ જૂન ર૦૧૯ના રોજ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના સંયુકત સચિવ બી. એસ. મહેતાએ ભાવનગર મહાપાલિકાના કમિશનર અને આલ્કોક એશડાઉન લિ. કંપનીના ઈન્ચાર્જ અધિકારી ગાંધીને પત્ર લખ્યો હતો, પરંતુ કર્મચારીઓના પગાર બાકી હોવાથી તેમજ અન્ય કેટલીક કામગીરી બાકી હોવાથી તત્કાલ આ નિર્ણય લેવાયો હોવાનું જણાય છે.