ભાવનગરઃ વિદેશોમાંથી ખરીદવામાં આવતા શિપ કન્ટેનરનું નિર્માણ હવે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભાવનગરમાં કરવામાં આવશે. ભાવનગરને શિપ કન્ટેનરના નિર્માણનું હબ બનાવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. જે સંદર્ભે તાજેતરમાં કેન્દ્રીય શિપીંગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરના એક કન્ટેનર નિર્માણ એકમની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકારની યોજના હેઠળ કાર્ગો શિપમાં સામાનની હેર-ફેર માટે જરૂરી એવા કન્ટેનરના નિર્માણના હબ તરિકે હવે ભાવનગરને વિકસાવાશે. આગામી સમયમાં દરિયાઈ વેપાર વધવાની સાથે-સાથે ભાવનગરમાં કન્ટેનરનું ઉત્પાદન વધતાજ તેનું વિદેશોમાં પણ વેંચાણ કરવામાં આવશે. વર્તમાન સમયમાં ભારતમાં દરવર્ષે ત્રણ લાખ કન્ટેનરની જરૂરિયાત રહે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અલંગના ઔદ્યોગિક વિકાસની જોગવાઈઓ કરી છે. જેના પરિણામરૂપ અલંગ શિપ બ્રેકિંગની કાર્યક્ષમતા 32લાખ મેટ્રિક ટનથી વધારી આગામી પાંચ વર્ષમાં 64 લાખ મેટ્રિક ટન કરવામાં આવશે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના હરિફ એવા પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને ચિનને ટક્કર આપવા આ ઉદ્યોગ કોઈ શહેર કે રાજ્ય સિમિત નહી બની રહે.