વેરાવળઃ સોમનાથમાં પાંચ દિવસથી ચાલી રહેલા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું ૨૪મીએ સમાપન થયું હતું. પાંચ દિવસીય મેળા અંદાજે દસેક લાખ લોકોએ માણ્યો હતો. અંતિમ દિવસે મધ્યરાત્રે સોમનાથ મહાદેવને મહાઆરતી સાથે કલાકાર માયાભાઈ આહિરે લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. મહાભારત અને પૂરાણોમાં ઉલ્લેખ પ્રમાણે કાર્તિકી પૂર્ણિમાએ ભગવાન શિવે ત્રિપુરા નામના અસૂરનો નાશ કરી લોહ, રોધ્ય અને સુવર્ણના નગરોને બાળીને તે દિવસે અસૂરના કષ્ટમાંથી લોકોને મુક્ત કરાવ્યા હતા. ૧૯૫૫થી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરાય છે. ચાલુ વર્ષે સોમનાથ બાયપાસ ચોકડી પાસેના સદભાવના ગ્રાઉન્ડમાં પાંચ દિવસથી મેળો યોજાયો હતો. નાના બાળકો માટે વિવિધ રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર હતી. જૂનાગઢની લીલી પરિક્રમા કરીને પ્રવાસીઓ ક્રમશઃ પાંચેય દિવસ સુધી મેળાની મજા માણી હોય તેવા નજારો હતો.
કારીગરોને રોજગારી મળી
મેળાની અંદાજે દસેક લાખ લાકોએ મજા માણી જેના થકી વિવિધ ચીજોનું વેચાણ કરવા આવેલા ધંધાર્થીઓને પણ નોંધપાત્ર રોજગારી મળી છે. મેળો માત્ર મનોરંજનનું નહીં પણ રોજગારીનું માધ્યમ પણ બન્યો હતો. સરકારના ઈન્ડેક-સી વિભાગના ૧૦૦ જેટલા સ્ટોલોમાં રાજ્યભરમાંથી આવેલા હસ્તકલાના કારીગરોએ બનાવેલ કૃતિઓનું મોટી સંખ્યામાં ધૂમ વેચાણ થતાં કારીગરોને સારી એવી રોજગારી પ્રાપ્ત થઈ હતી. અંદાજે રૂ. ૭૦ લાખ જેવી માતબર આવક હોવાનું સોમનાથ ટ્રસ્ટના અધિકારી ઉપેન્દ્ર કોદાળાએ જણાવ્યું હતું.