જામનગરઃ બેડી વિસ્તારમાં રહેતા બે મુસ્લિમ પરિવારો દરગાહે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે વખતે સાતમી ડિસેમ્બરે કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામ પાસે વાહનને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં હતાં. જામનગરના બેડી વિસ્તારમાં રહેતા શબ્બીરભાઇ નોટિયાર અને અન્ય એક પરિવારના મળીને ૮ સભ્યો છઠ્ઠી ડિસેમ્બરે સવારે ઇકો કારમાં પોરબંદર નજીક આવેલી એક દરગાહેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક દંપતી અને તેના બે સંતાનોનાં તથા એક પાડોશી મહિલા સહિત પાંચનાં ઘટના સ્થળે જ મૃત્યુ થયાં હતાં. અન્ય ત્રણ ઇજાગ્રસ્તને તુરંત સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. આ ઘટનામાં એક ઘાયલ યુવતી રિઝવાના હાજીભાઈ મોદીએ ૭મીએ જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવતાં આ ઘટનામાં મૃત્યુઆંક છ થયો છે.
આ ઉપરાંત રિહાન શબીર (ઉં ૧૩) અને નવાઝ હાજીભાઈ મોદી (ઉ. ૨૦)ને જૂનાગઢની હોસ્પિટલમાંથી જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં રિફર કરાયા છે. તેમાં રિહાનની તબિયત અત્યંત નાજુક જણાતા તેને રાજકોટની હોસ્પિલમાં ખસેડાયો હતો. ૭મી ડિસેમ્બરે બેડી વિસ્તારમાંથી એકીસાથે છ જનાજા ઉપડતા ભારે માતમ છવાઈ ગયો હતો અને મૃતકોના બંને પરિવારમાં શોકમગ્ન વાતાવરણ બની ગયું હતું.