કાલાવડ-જામનગરઃ કાલાવડથી ત્રણ કિલોમીટર દૂર આવેલા સરવાણિયા ગામના વળાંકે ૨૫મી ડિસેમ્બરે બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે એસ. ટી. બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક પરિવારના ત્રણ યુવતી, એક બાળકી અને બે યુવાનના કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે બસના કંડકટર સહિત પંદર વ્યક્તિને નાની મોટી ઇજા થઇ હતી.
આ અકસ્માતમાં રાજકોટના ગાંધીગ્રામમાં રહેતા ૨૬ વર્ષના ધારાબહેન અક્ષયભાઇ કોટક, તેમની સાત વર્ષની પુત્રી ઇશા, તેમનો દિયર મોહિત કોટક, જૂનાગઢમાં રહેતી તેની ફિયાન્સી આહુતિ અનડકટ, રાજકોટના જ રહીશ મીતના માસિયાઇ ભાઇ નિતેષ કટારિયા અને તેની બહેન રિદ્ધિના મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે ધ્વનિ બિપીનભાઇ કોટક, બસના કંડકટર સહિત પંદરને નાની મોટી ઇજા થઇ હતી.
કોટક પરિવારના સભ્યો સાતોદડવાવડીમાં આવેલા તેમના સુરાપુરાબાપાના દર્શન કરીને બે કારમાં પરત આવી રહ્યા હતા. ત્યારે સામેથી આવતી બાઇકને બચાવવા જતાં એક કાર એસટી બસ સાથે અથડાઇ હતી.