પોરબંદર: એક તરફ દેશવિદેશમાં ભારતીય મહાપર્વ દિવાળી ઉજવાઈ રહી હતી ત્યારે જ સરહદે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો અને બીજી બાજુ સૌરાષ્ટ્રમાં દરિયાઈ જળસીમાએથી ચાર ફિશિંગ બોટ સાથે ૨૫ માછીમારોનાં અપહરણ કર્યા હતાં.
જખૌ નજીકનાં દરિયામાંથી ૧૭મીએ સાંજે ઉઠાવી જવાયેલા માછીમારોને કરાંચી બંદર લઈ જઈને પુછપરછ બાદ જેલમાં ધકેલી દીધાનું જાણવા મળ્યું હતું. પોરબંદર અને ઓખાની ચાર ફિશિંગ બોટોમાં માછીમારો રાબેતા મુજબ જખૌ નજીકની દરિયાઈ જળસીમાએ માછીમારી કરી રહ્યા હતા ત્યારે અચાનક જ પાકિસ્તાન મરીન સિકયુરીટીની ટીમ ત્રાટકી હતી અને મશીનગનનાં નાળચે ચારેય ફિશિંગ બોટને ઘેરીને ૨૫ માછીમારોની ધમકી આપીને મારકૂટ કરાઈ હતી. એ પછી તેમને બંધક બનાવીને કરાચી બંદર તરફ લઈ જવાયા હતાં. અપહરણ કરાયેલા માછીમારો પોરબંદર અને સોમનાથ જિલ્લાનાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
૨ બોટ અને ૧૩ માછીમાર પરત
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ ૩જી ઓક્ટોબરે માંગરોળની ઓખાથી ઓપરેટ થતી ૫ બોટને આંતરીને ૨૫ માછીમારોને બંધક બનાવ્યા હતા. ૧૩મીએ તેમાંથી ૩ બોટ અને ૨૩ માછીમારોને પાક. મરીને મુક્ત કર્યા હતા અને તે ઓખા પરત ફર્યા હતા. જ્યારે ૧૪ ઓક્ટોબરે પોરબંદરની ૨ બોટ અને ૧૩ માછીમારો પરત ફર્યા હતા.