પોરબંદરઃ સોમવારે ભીમ અગિયારસ હતી. એવી માન્યતા છે કે વર્ષો પૂર્વે પરિભ્રમણ કરતા પોરબંદર પંથકમાં પાંડવો આવ્યા હતા. તેના કેટલાક પુરાવા આજે પણ પોરબંદરથી ૧૫ કિ.મી. દૂર આવેલા કુછડી ગામમાં ખીમેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં છે. કહેવાય છે કે પાંચ પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન સૌરાષ્ટ્ર પંથકના અનેક ગામડામાં આવ્યા હતા. ત્યારે પોરબંદરથી ૧૫ કિ.મી. દૂર હર્ષદ તરફ જતાં દરિયા કિનારે આવેલા કુછડી ગામે પણ તેઓએ રોકાણ કર્યું હતું. ખીમેશ્વર મહાદેવ મંદિરે પાંડવોની ડેરી છે એ અંગે એવું માનવામાં આવે છે કે અહીં આ શિવલિંગની સ્થાપના પાંડવોએ જાતે કરી હતી. હજારો વર્ષ જૂના આ મંદિર પટાંગણમાં ભીમો ખાંડણિયો પણ આવેલો છે. ભીમને લાડુ ખૂબ જ ભાવતા હતા. તેથી આ ખાંડણિયામાં લાડુ માટેના પિંડાને ખાંડીને તેના માટે લાડુ બનતા હોવાની માન્યતા છે.