દ્વારકા: ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકામાં ઐતિહાસિક ધર્મમય માહોલ વચ્ચે સદીઓ જૂની પરંપરાને ઉજાગર કરતો અનોખો વિક્રમ સર્જાયો છે. એક જ મેદાનમાં એકસાથે 37 હજારથી વધુ આહિરાણીએ ભગવાન શ્રીકૃષ્ણ માટે રાસ રમીને અનોખી ભક્તિ કરી હતી.
અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના નેજા હેઠળ યોજાયેલા મહારાસના કાર્યક્રમમાં પ્રથમ તો 16,108 આહિરાણીના રાસની તૈયારી કરાઈ હતી, પરંતુ ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં 24 જેટલા જિલ્લા-તાલુકામાંથી 37,000થી વધુ બહેનોએ નામ નોંધાવતાં આયોજનની ભવ્યતામાં વધારો થયો હતો.
રવિવાર - 24 ડિસેમ્બરે વહેલી સવારે 5 વાગ્યે રુકિમણી મંદિર નજીકના વિશાળ મેદાનમાં 800 વીઘા જગ્યામાં નંદધામ પરિસરનું નિર્માણ કરાયું હતું. અહીં સવારે 5:30 વાગ્યાથી બહેનો એકત્ર થયાં હતાં. સવારે 8 વાગ્યાથી મહારાસનો પ્રારંભ થયો હતો, જે 10 વાગ્યા સુધી અવિરત ચાલ્યો હતો. 68 જેટલા રાઉન્ડમાં 37 જેટલા પ્રાચીન અને પરંપરાગત કૃષ્ણરાસ રજૂ કરાયા હતા. આહિરાણીઓ મહારાસ દરમિયાન મૌનવ્રત ધારણ કરીને ઉપવાસ કરીને કૃષ્ણભક્તિમાં લીન બન્યાં હતાં. આયોજન દરમિયાન જ્ઞાતિના 150 તબીબની ટીમ પણ ખડેપગે રહી હતી.
રાષ્ટ્રધ્વજ અને ધર્મધ્વજ લહેરાયા
આ આયોજનમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ મૂર્તિની સાથેસાથે રાષ્ટ્રધ્વજ અને ધર્મધ્વજને ફરકતો રાખવામાં આવ્યો હતો. મહારાસની પૂર્ણાહૂતિ બાદ આહિર સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, નેતાઓ, કાર્યકરો વગેરેએ વિશ્વશાંતિ માટે રેલી સ્વરૂપે મહારાસ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કર્યો હતો. મહારાસમાં સહભાગી થવા માટે દુબઈ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, સાઉથ આફ્રિકા દેશોમાંથી બહેનો આવ્યાં હતાં. અને આ અલૌકિક દશ્ય નિહાળવા 2 લાખથી વધુ જનમેદની એકત્ર થઇ હતી.