અમદાવાદઃ વડા પ્રધાન મોદી દ્વારા કેશુભાઈ પટેલના ભાઈના નિધન પર દિલસોજી વ્યક્ત કરાઇ છે. કેશુભાઈ પટેલના પરિવાર સાથે નિકટતા ધરાવતા વડા પ્રધાન મોદીએ ૧૧ ડિસેમ્બરે ટ્વીટર પર શોક સંદેશો પાઠવીને શ્રદ્ધાંજલિ આપી હતી. ધરમશીભાઈ પટેલ ૯૬ વર્ષના હતા. તાજેતરમાં જ કેશુભાઈ પટેલના નિધન બાદ તેમના ભાઈનું પણ અવસાન થતાં તેમના પરિવાર પર અણધારી આફત આવી પડી છે. વડા પ્રધાન મોદીએ ટ્વીટર પર લખ્યું કે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. કેશુભાઈ પટેલના મોટા ભાઈ ધરમશીભાઈના અવસાનથી દુઃખ થયું. ઇશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. વડા પ્રધાને તેમના દીકરા અશ્વિનભાઇ સાથે ફોન પર વાત કરીને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી.