વેરાવળઃ સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની આગામી ૧૧ જાન્યુઆરીએ યોજાનાર વર્ચ્યુઅલ બેઠકમાં જાહેરાત કરાશે. આ વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ તથા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી જોડાશે. તેવા અહેવાલ છે. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના નિધન બાદ સોમનાથ ટ્રસ્ટના ચેરમેનનું પદ ખાલી છે. બેઠક અંગે ટ્રસ્ટના સેક્રેટરી પી. કે. લહેરીએ જણાવ્યું કે, બેઠકમાં પ્રથમ સ્વ. કેશુભાઈ પટેલનો શોક ઠરાવ પસાર થશે. એ પછી ટ્રસ્ટના નવા ચેરમેનની વરણીનો ઠરાવ રજૂ કરાશે જેના પર ટ્રસ્ટીઓ ચર્ચા કરી નવા ચેરમેનની નિમણૂક કરશે. ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટીઓ પૈકી લાલકૃષ્ણ અડવાણી કે હર્ષવર્ધન નિયોટિયામાંથી પસંદગી થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં સોમનાથ ટ્રસ્ટની આવક અને અસ્કામતોમાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રસ્ટની સંપત્તિ રૂ. ૩૨૧.૦૯ કરોડ થઈ છે. હવે આગામી સમયમાં ટ્રસ્ટ યાત્રી સુવિધા અને ખાસ ગોલકધામ તીર્થના વિકાસ માટે આયોજન કરશે. તેથી આ પદ ખૂબ જ મહત્ત્વનું ગણાય છે.