અમદાવાદઃ દ્વારકા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ગોરિયાની રજૂઆત હતી કે, હાઈ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થયું છે કે, પબુભા માણેકનું નોમિનેશન ફોર્મ ખોટું છે. જેથી આપોઆપ તેમની ઉમેદવારી રદ ગણાય. આ ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવવામાં હું (ગોરિયા) બીજા સ્થાને છું. તેથી મને ચૂંટાયેલ જાહેર કરાય. વર્ષ ૨૦૧૭માં પબુભા સામે મેરામણની અંદાજે ૫૦૦૦ મતોથી હાર થઈ હતી. સુપ્રીમે આ અરજી માટે પબુભાની અપીલ સાથે માર્ચ, ૨૦૨૦માં સાંભળવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં, ભાજપી ઉમેદવાર પબુભા માણેક વિજેતા થયા હતા. પબુભા માણેકે ચૂંટણી માટે જે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તેમાં વિધાનસભા બેઠકનું નામ અને નંબર દર્શાવ્યા ન હતા તેથી રિર્ટિંનગ ઓફિસરે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, પછીથી પબુભાના ઉમેદવારી ફોર્મને માન્ય રાખ્યું હતું.
બીજી તરફ, પબુભાના વકીલે આ અરજીનો વિરોધ કર્યો હતો. સુનાવણી બાદ, હાઈ કોર્ટે પબુભા માણેકની ચૂંટણીને જ રદ કરી હતી. હાઈ કોર્ટે નોંધ્યું હતુ કે, પબુભાએ નોમિનેશન ફોર્મ રિપ્રેન્ઝન્ટેટિવ એક્ટ-૧૯૫૧ની જોગવાઈ મુજબ યોગ્ય રીતે ભર્યું નથી. હાઈ કોર્ટના આ આદેશ સામે પબુભાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં, હાઈ કોર્ટના ચુકાદા સામે સુપ્રીમે વચગાળાનો સ્ટે આપ્યો નથી. જોકે, સુપ્રીમે જણાવ્યું કે, આ અરજી પર અંતિમ નિર્ણય આવે નહીં, ત્યાં સુધી દ્વારકા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરવી નહીં.