અમરેલીઃ નગરપાલિકામાં ચૂંટણી સમયે જ કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. ૪૪માંથી ૩૪ બેઠકો મેળવવા છતાં પણ કોંગ્રેસના સભ્યોમાં આંતરિક વિખવાદના કારણે બળવો થયા બાદ ૧૨ એપ્રિલે પ્રમુખ સહિત ૧૦ સભ્યો ભાજપમાં ભળી જતાં હવે પાલિકામાં પક્ષ પલટો થયો છે અને વિધિવત રીતે ભાજપનું શાસન સ્થપાયું છે.
અમરેલી પાલિકામાં લોકોએ સત્તાનો કળશ કોંગ્રેસ પર ઢોળ્યો હતો અને ૩૪ બેઠકો જેવા જ્વલંત દેખાવ સાથે કોંગ્રેસે સત્તાનું સુકાન સંભાળ્યું હતું.
અઢી વર્ષ સુધી અલકાબેન ગોંડલિયાએ પ્રમુખ તરીકે શાસન સંભાળ્યા બાદ નવા પ્રમુખની ચૂંટણી સમયે જયંતીભાઈ રાણવા પ્રમુખ પદના પ્રબળ દાવેદાર હોવા છતાં કોંગ્રેસ દ્વારા વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ઈશારે તેના કૌટુંબિક ભાઈ સંદીપ ધાનાણીના નામનો પ્રમુખ તરીકેનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો. આથી કોંગ્રેસના ૧૫ સભ્યોએ બળવો કરીને મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું હતું.