કોરોના મહામારીના સમયમાં મોરારિબાપુ દ્વારા રૂ. ત્રણ કરોડની સહાય

Saturday 16th May 2020 08:19 EDT
 
 

મહુવાઃ મોરારિબાપુની સૂચના અને માર્ગદર્શનથી ચિત્રકૂટધામ ટ્રસ્ટ અને એમની રામકથાના શ્રોતાઓ દ્વારા આજ સુધીમાં રૂ. ત્રણ કરોડ જેટલી રકમની સહાયતા સમાજના વિવિધ વર્ગોને પહોંચાડવામાં આવી છે. માર્ચ માસમાં કોરોના મહામારીની શરૂઆતના સમયમાં જ લંડન સ્થિત રમેશભાઈ સચદેવ દ્વારા પૂજ્ય બાપુની સૂચનાથી પ્રધાનમંત્રી ફંડમાં રૂપિયા એક કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું.
એ પછીથી મહુવા તાલુકાના વંચિત પરિવારો હોય કે રાજસ્થાનના લોક ગાયકો હોય, બાપુ દ્વારા કેશ અને અનાજની કીટ સ્વરૂપે અવિરત સહાય પહોંચી રહી છે. સાત હજારથી પણ વધુ કીટ લોકો સુધી પહોંચાડવામાં આવી છે. એ ઉપરાંત કોરોના મહામારીને નાથવામાં કાર્યરત મેડિકલ, પોલીસ અને સફાઈકર્મીઓ વગેરે માટે રૂ. છ લાખની પીપીઈ કીટનું પણ વિતરણ કરવાનું આયોજન થયેલ છે. અલંગમાં અનેક પરપ્રાંતીય મજૂરો માટે મહુવામાં ‘ભૂખ્યાંને ભોજન’ સંસ્થાને દોઢ લાખની સહાય મોકલવામાં આવી હતી. ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન રાહત નિધિને રી. ૨૫ લાખની સહાય મોકલવામાં આવેલ. બનારસ, મુંબઈ અને સુરતની ગણિકા બહેનોને પણ અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ મોકલવામાં આવી છે. વિશાખાપટ્ટનમ નજીકના ગામે ગેસ ગળતરથી મૃત્યુ પામેલા ૧૧ લોકોના પરિવારજનોને પ્રત્યેકને રૂ. એક લાખ એમ કુલ ૧૧ લાખની સહાય પહોંચતી કરાઈ છે. આ ઉપરાંત કેટલીક નાની મોટી સહાય પણ કારાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter