જૂનાગઢઃ કેશોદના બિલ્ડર કેવલ રમેશભાઈ સવાણી (ઉ. વ. ૨૮)ની લાશ ૩૦મી ઓગસ્ટે ક્રાઈમ બ્રાંચને મળી હતી. તેમના ગુમ થયાની ફરિયાદમાં કુટુંબીજનોએ નોંધાવ્યું હતું કે તેમણે સોનાની આઠ વીંટીઓ તથા ચેઈન એમ કુલ મળીને રૂ. ૪ લાખના દાગીના પહેર્યાં હતાં. મૃતદેહ પરથી દાગીના મળ્યા નહોતા હતા. પોલીસે મૃતકના પિતા રમેશભાઈ ઉર્ફે ભૂપતભાઈની ફરિયાદના આધારે અજાણ્યા માણસો સામે લૂંટ અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચને બાતમી મળી કે માળિયા હાટીનાના મહોબતસિંહ હનુભાઈ સિસોદિયા (ઉ. વ. ૨૯) દ્વારા આ ગુનો આચરવામાં આવ્યો છે. તેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતાં તેણે કબુલાત કરી કે લૂંટના ઇરાદે તેણે બિલ્ડરની હત્યા કરી હતી. હત્યારાએ જણાવ્યું કે, લાકડાના ધોકાથી બિલ્ડરની હત્યા કરી તેણે લૂંટ ચલાવી હતી. ટીવી ઉપર આવતી ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈને તેણે બિલ્ડરની લૂંટનો પ્લાન ઘડ્યો હતો.