જૂનાગઢઃ ડિજિટલ અને ગ્લોબલ બનેલા આજના સમયમાં હવે ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરમાં પણ નેનોટેકનોલોજી આવી રહી છે! જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના બાયોટેકનોલોજી વિભાગે એક ક્રાંતિકારી આવિષ્કાર કરીને નેનો ફર્ટીલાઈઝર તૈયાર કર્યું છે. ઘઉંના પાકમાં કરવામાં આવેલા તેના પ્રયોગને સફળતા પણ મળી છે. સામાન્ય ખાતરના પ્રમાણમાં તેનો ખૂબ ઓછો ઉપયોગ કરવો પડશે સાથે સાથે ઉત્પાદનમાં પણ વધારો થશે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલા નેનોફર્ટીલાઈઝર અંગે વિગતો આપતા કુલપતિ ડો. એ. આર . પાઠકે જણાવ્યું છે કે, પરંપરાગત રીતે વપરાતા રાસાયણિક ખાતરમાં ૪૦થી ૭૦ ટકા નાઈટ્રોજન, ૮૦થી ૯૦ ટકા ફોસ્ફરસ અને પ૦થી ૭૦ ટકા પોટેશિયમનો વ્યય થાય છે. તેમજ યુરિયા એમોનિયમ સલ્ફેટ અને પોટાશ જેવા ખાતરનો છંટકાવ આશરે ૩૦ દિવસે કરવો પડે છે. જેની સામે નેનો ફર્ટીલાઈઝરનો દર ૩થી ૪ મહિને ઉપયોગ કરવો પડશે. તેમજ તેનો જથ્થો પણ ૮થી ૧૦ ગણો ઓછો જોઈશે. નેનો ફર્ટીલાઈઝર ધીમી ગતિથી લાંબા સમય સુધી ઉભા પાકને પોષકતત્ત્વો આપે છે. જેથી ખાતરની અસરકારકતામાં વધારો થાય છે. અને ઓછા પ્રમાણમાં ખાતરની જરૂરિયાત રહે છે.