સુરેન્દ્રનગરઃ એક તરફ મધ્યમ વર્ગની પ્રજા નવા ચલણના ચલકચલાણાં માટે સવારથી બેંકોની લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહીને તડકામાં શેકાઇ રહી છે ત્યારે બીજી બાજુ કાળા ધનથી તિજોરીઓ ભરનારા માલેતુજારો પૈસા ધોળા કરવા માટે હવે ઊંચી ટકાવારી દેવા પણ તૈયાર થઇ ગયા છે. રૂ. ૫૦૦-૧૦૦૦ની ચલણી નોટો ચલણમાંથી રદ થઇ ગયા બાદ કાળા નાણા ધોળા કરવા માટે સુરેન્દ્રનગરમાં કથિત કમિશન શરૂઆતમાં ૧૦ ટકા જેટલું હતું પરંતુ હવે ૩૫ ટકા જેટલું ઊંચું કમિશન ચૂકવી કાળા નાણાંને ધોળા કરવા માટે લોકો બેબાકળા બન્યા છે. સુરેન્દ્રનગરમાં આવા લાખો રૂપિયાના સોદા થયાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં એવા ઘણાં અમીર છે કે જેમની પાસે કરોડો રૂપિયાની કિંમતનું કાળુ નાણું પડ્યું છે. ટેક્ષ ચોરી કરીને બનાવેલા રૂપિયા હવે કેવી રીતે વ્હાઇટ કરવા તેની મથામણમાં તેઓ લાગી ગયા છે.