જૂનાગઢ: ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સિટીરાઈડ બસ ૧૧મી જાન્યુઆરીએ સવારે સાવરકુંડલાથી ઉપડીને જૂનાગઢ આવી રહી હતી. તેમાં આશરે ૫૦ જેટલા મુસાફરો ખીચોખીચ ભરેલાં હતાં. બપોરના ૨.૦૦ વાગ્યાના સુમારે વિસાવદરનાં લાલપુર-વેકરિયા પાસેથી બસ પસાર થતી હતી. તે સમયે ચાલકે બસના સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગુમાવતાં બસ રસ્તા નીચે ઉતરીને ચારથી પાંચ ગોથલિયા ખાઈને ઊંધી પડી ગઈ હતી. બસની છત નીકળી ગઈ હતી અને બસના ટાયર ૩૦૦ ફૂટ દૂર ફંગોળાયા હતા. આ ઘટનામાં ૬નાં મોત થયાં અને ૧૮ને ઇજા થઇ હતી.
બસના પ્રવાસીઓએ ઘટના બાદ જણાવ્યું કે, ડ્રાઈવર નશામાં હતો અને બસ બેફામ હંકારતો હતો. મુસાફરોએ તેને વ્યવસ્થિત બસ ચલાવવા કહ્યું હતું, પણ તે માન્યો નહીં. અકસ્માત બાદ તે ભાગી ગયો. જોકે, આસપાસના લોકો તથા વિસાવદર પોલીસે મદદ કરી અને ૧૦૮માં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. આ ઘટનામાં વાલજીભાઈ મોલડિયા (ઉં. ૬૫), ભીખાભાઈ જોગડિયા (ઉં. ૫૮), શામજીભાઈ મકવાણા (ઉં. ૬૫), સલીમભાઈ બ્લોચ (ઉ. ૪૦), નયનાબહેન વડેરા અને લાભુબહેન ગોવિંદ (ઉ. ૫૦)નાં મૃત્યુ થયાં છે. વિસાવદર પોલીસ દ્વારા આ કેસમાં બસના ચાલક સામે ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.