બગસરાઃ બગસરા પંથકમાં દીપડાના હુમલા વચ્ચે હવે સાવજોએ પણ અહીં મારણ કરતાં પંથકમાં ભય ફેલાયો છે. ખારી (ખીજડીયા) ગામના હંડળા ખારી રોડ પર કનાભાઈ ભીમાભાઈ હાજરા ભરવાડના વાડામાં રાખેલા ૧૪૫ ઘેટાં - બકરાંઓ પર સાતમી ફેબ્રુઆરીએ ચાર સાવજો ત્રાટક્યા હતા. ઘેટાં બકરાંની ચિચિયારીઓથી ભરવાડ જાગી ગયા હતા. જોકે સાવજોએ ૧૨૫ ઘેટાં બકરાં અને બાજુની વાડમાં બાંધેલા એક વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં વનવિભાગ કનાભાઈના વાડામાં દોડી આવ્યો હતો અને એક કરતાં વધુ સાવજોએ મારણ કર્યાને સમર્થન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ચોથી ફેબ્રુઆરીએ રાજુલાના ભચાદર ગામની સીમમાં ભેરાઈ રોડ પર આવેલી વાડીના ઝૂંપડામાં પરિવાર સાથે સૂતેલા પાંચ વર્ષનાં બાળક કિશોર સાધુભાઈ પરમારને બચ્ચાં સાથે આવી ચડેલી સિંહણે ઉઠાવી જઈને ફાડી ખાતાં પણ પંથકમાં અરેરાટી મચી ગઈ હતી.
બાળકનો ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ પોલીસ અને વન વિભાગને મળી આવતા પરિવાર અને ગામમાં દુ:ખ સાથે ભયની લાગણી ફેલાઈ હતી.