વેરાવળઃ ફેસબુક પર ફ્રેન્ડશિપ થયા પછી કામ અપાવવા માટે બોલાવવામાં આવેલો પંજાબનો ફ્રેન્ડ નિકોલ અરોરા લોઢવા ગામના ખેડૂત રમેશભાઇ રામભાઇ કછોટના ઘરમાંથી રૂ. ૧૧ લાખની રોકડ રકમ, દાગીના, લેપટોપ અને મોબાઇલ ફોન લઇને નાસી ગયો હતો. જોકે, પોલીસે તાકીદે તપાસ હાથ ધરીને તેને પાલનપુર પાસેથી તેને ૧૦મી જુલાઈએ ઝડપી લીધો હતો. લોઢવા ગામે રહેતાં ખેડૂત રમેશભાઇ કછોટ સાથે એક વર્ષ પહેલાં ફેસબુકના માધ્યમથી પંજાબમાં ગુરુદાસપુરમાં રહેતા નિકોલ અરોરા સાથે ઓળખાણ થઇ હતી. બાદમાં બંનેએ કયારેક મોબાઇલ ફોન પર વાતચીત પણ કરવા લાગ્યા હતાં. આ વાતચીત દરમિયાન નિકોલે હાલમાં મારી પાસે કોઇ કામ ન હોવાથી મુશ્કેલીમાં હોવાનું જણાવ્યું હતું. આથી ખેડૂત રમેશભાઇએ મિત્રતાના દાવે લોઢવા ગામે આવી જા અને મારી સાથે ખેતરમાં કામ કરજે તેવી વાત કરીને તેના બેંક ખાતામાં રૂ. ૧૫૦૦ની રકમ પણ જમા કરાવી હતી. તાજેતરમાં નિકોલ અરોરા લોઢવા ગામે આવ્યો હતો. તેને આરામ કરવા માટે ઘરમાં રાખ્યો હતો. રમેશભાઇ અને તેમના ઘરના તમામ સભ્યો ખેતરમાં ખેતીકામ માટે ગયા હતાં. આ સમયે ઘરમાં રહેલો એકલો નિકોલ કબાટમાંથી રૂ. ૧૧ લાખની રોકડ રકમ, સાડા ત્રણ તોલા વજનના સોનાના દાગીના, લેપટોપ, મોબાઇલ ફોન લઇને નાસી ગયો હતો.
મકાન ખરીદવા પૈસા ભેગા કર્યાં હતાં
લોઢવામાં ખેતીકામ કરવાની સાથોસાથ કડિયા કામ કરતાં ખેડૂત રમેશભાઇ કછોટે વેરાવળમાં મકાન લેવાનું નક્કી કર્યું હતું. એક મકાન પસંદ પણ કર્યું હતું. તેની રકમ ચૂકવવા માટે તેણે પૈસા એકત્ર કરીને રૂ. ૧૧ લાખ જેવી રકમ ઘરમાં રાખી હતી. તે તેનો ફેશબુક ફ્રેન્ડ નિકોલ અરોરા ઉઠાવી ગયો હતો.
ટેટુના કારણે પકડાયો
વેરાવળના લોઢવા ગામે ચોરી કરીને ભાગેલા નિકોલે છોકરીનો વેશ ધારણ કરીને ટ્રેનમાં મુસાફરી શરૂ કરી હતી. પાલનપુર રેલવે પોલીસ ટ્રેનમાં ચેકિંગ કરી રહી હતી. ત્યારે છોકરીના વેશમાં રહેલા નિકોલના હાથમાં ત્રોફાવેલા ટેટુના કારણે તે પકડાઇ ગયો હતો.