અમરેલીઃ દેશી કેરીની જાતો લુપ્ત થતી જાય છે ત્યારે ધારી તાલુકાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાના ઘરે એક જ આંબામાં 14 પ્રકારની કેરીની જાતો વિકસાવી અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડી છે.
અમરેલી જિલ્લામાં ખાસ કરીને ધારી, ખાંભા, સાવરકુંડલા પંથકમાં મોટી સંખ્યામાં આંબાના બગીચાઓ આવેલા છે. જયાં ખેડૂતો કેસર કેરી પકવી રહ્યાં છે, પરંતુ કેરીની દેશી જાતો લુપ્ત થતી જાય છે ત્યારે ધારી તાલુકાના દિતલા ગામના ખેડૂત ઉકાભાઇ ભટ્ટીએ દેશી જાતોને ફરી વિકસાવવા પ્રયાસ કર્યો છે. તેમણે પોતાના ઘરે જ એક આંબો ઉગાડયો છે જેમાં 14 અલગ અલગ પ્રકારની કેરીની જાત ઉગાડી છે.
ખેડૂતે એક જ આંબામાં ગુલાબીયો, દાડમીયો, ચુસણી, વરિયાળીયો, અષાઢીયો, શ્રાવણીયો, કાળો જમાદાર, કેપ્ટન, પાયલોટ, બદામ, સરદાર, દાડમો સહિત કેરીની જાત વિકસાવી છે. હોળીથી દિવાળી સુધી આ આંબામાં અલગ અલગ જાતની કેરી આવતી રહે છે. તેઓ જુનાગઢ, તાલાળા, ડાંગ, આહવા વિગેરે વિસ્તારમાથી દેશી કેરીની જાતનું કટીંગ લઇ આવી આંબામા ફિટ કરી દે છે. હાલ એક જ આંબા પર 14 જાતની કેરીઓ લુમેઝુમે લટકી રહી છે.
‘કેપ્ટન’ જાતની એક કેરીનું વજન બે કિલો
એક જ આંબા પર અલગ અલગ 14પ્રકારની કેરીની જાત છે. ઉકાભાઇ કહે છે કે આમાંથી ‘કેપ્ટન’ જાતની એક કેરીનું વજન બે કિલો સુધીનું હોય છે. જયારે અમુક કેરી ગોળ આકારની હોય તેનો મુરબ્બો અને રસમાં ઉપયોગ થઇ શકે.
ઉકાભાઇ આ પ્રયોગ માટે કહે છે કે આજે પ્રદેશમાંથી દેશી કેરીની જાતો લુપ્ત થઇ રહી છે ત્યારે આવનારી પેઢીને ખ્યાલ આવે તે હેતુથી મેં આ પ્રયાસ શરૂ કર્યો હતો. કોઇ પણ દેશી જાતની કલમ બહારથી લઇ આવતો હતો અને તેને આંબાની કુણી ડાળમાં ફિટ કરી દઉં છું, જેથી તેમાં તે જ જાતની કેરી ઉગે છે.