રાજકોટઃ ખોડલધામના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું ધરી દીધા બાદ તેઓ હવે ભાજપમાં જોડાઇ જશે તેવા સમીકરણો છે. પાટીદાર આંદોલનો, ભાજપની ભૂમિકા, પાટીદારોનો ભાજપ પ્રત્યેનો જે ભાવ હતો તેવા સમયે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી પરેશ ગજેરાને ત્યાં જમવા ગયા હતા. જેથી ગજેરાનો ઝોક ભાજપ તરફી છે એવી વાત હતી. હવે ગજેરાએ રાજીનામું આપ્યું છે અને ટ્રસ્ટીઓએ સ્વીકારી લીધું છે ત્યારે ગજેરા ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની વાતે જોર પકડયું છે. ખોડલધામના પૂર્વ મંત્રી અને વર્તમાન ટ્રસ્ટી હંસરાજભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, પરેશ યુવાન અને સ્વતંત્ર છે એ કોઇ પણ પક્ષમાં જોડાય તો તે સારી બાબત છે, પણ તેમની ભાજપમાં જોડાવાની વાત અફવા છે. જ્યારે પરેશ ગજેરાએ પણ સ્પષ્ટતા કરી છે કે, હું ભાજપમાં જોડાઈશ નહીં.
કામનો ભાર
ઉદ્યોગપતિ અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, પરેશ ગજેરા ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસો. ઓફ ઇન્ડિયા અને રાજકોટ બિલ્ડર એસો.ના પ્રેસિડેન્ટ છે. તેઓ ખોડલધામના કામકાજમાં ધ્યાન આપી શકતા ન હોવાથી તેમણે રાજીનામું આપી દીધું છે અને ટ્રસ્ટીઓ દ્વારા સ્વીકારી લેવાયું છે.