જેતપુરઃ કાગવડમાં લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક ખોડલધામનું નિર્માણકાર્ય પાંચ વર્ષે સંપન્ન થઈ ગયું છે. ૧૭મી જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી સુધી ખોડલધામમાં મા ખોડિયારની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. વિશ્વનું આ પ્રથમ એવું મંદિર બનશે કે જેના પ્રવેશદ્વારે રાષ્ટ્રધ્વજ ફરકતો હશે. પાંચ દિવસના આ મહોત્સવમાં દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે.
ખોડલધામમાં સમગ્ર મહોત્સવની રૂપરેખા આપતા પરેશભાઈ ગજેરા, વસંતભાઈ ગજેરા રવિભાઈ આંબલિયાએ કહ્યું હતું કે, પાંચ વર્ષ પૂર્વે એટલે કે ૨૧મી ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ ખોડલધામ સમિતિના પ્રમુખ નરેશભાઈ પટેલના હસ્તે ખોડલધામ મંદિરનો શિલાન્યાસ કરાયો હતો. પાંચ વર્ષ સુધી મંદિરના નિર્માણના કાર્ય બાદ હવે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે.
ખોડલધામ મહોત્સવના પ્રથમ દિવસે ૧૭મી જાન્યુઆરીએ મંદિરમાં સ્થાપિત થનારી મા ખોડિયારની મૂર્તિ સાથેની ભવ્ય શોભાયાત્રા રાજકોટમાં રેષકોર્સ ગ્રાઉન્ડથી સવારે ૮ કલાકે નીકળશે. આ યાત્રામાં આશરે ત્રણ હજાર કાર, સાત હજાર બાઈક, ૩૦૦ બસ અને આકર્ષક ફલોટ્સ હશે. ૧૭મી જાન્યુઆરીએ રાજકોટની ખોડલધામની શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા માટે રાજકોટથી વીરપુર સુધીનો હાઈવે વન-વે કરવામાં આવશે.
૧૦૮ કરોડનો વીમો
ખોડલધામમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સુરક્ષા વિષયક ચુસ્ત પગલાં લેવાયા છે. મંદિર પરિસર માટે રૂ. ૧૦૦ કરોડનો, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે રૂ. પાંચ કરોડનો તથા સમિયાણા, ડોમ, રસોઈઘર વગેરે માટે રૂ. ૩ કરોડનો એમ મળીને રૂ. ૧૦૮ કરોડનો વીમો લેવાયો છે.
ફાયરફાયર સમિતિનાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે, મંદિરમાં અને મંદિર સંકુલમાં ૧૫૦ જેટલા સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. સ્વયંસેવકો એકબીજાના સપંર્કમાં રહી શકે તે માટે ૪૦૦ જેટલા વોકીટોકી પણ વસાવાશે. ૧૦ દિવસ માટે ખાસ પોલીસ ચોકી પણ ઊભી કરાશે.