જૂનાગઢઃ વંથલી તાલુકાના ખોરાસામાં વેંકટેશ્વર તિરુપતિ બાલાજી મંદિરના મહંત અને મુખ્ય ટ્રસ્ટી સાધુ શ્યામનારાયણાચાર્યની ગુરુપૂર્ણિમાના દિવસે જ પાંચમી જુલાઈએ મહિલા સામે અભદ્ર માગ મૂકતી ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે. ક્લિપમાં એક હિન્દી ભાષી મહિલા સામે મહંતે અભદ્ર માગ કર્યા પછી મહંતે અનેક વખત માફી માગ્યાની વાતો વહેતી થઇ છે.
અન્ય ટ્રસ્ટીઓનાં આક્ષેપ
આ બનાવને લઇને અન્ય ટ્રસ્ટીઓએ પણ સનસનાટી ભર્યા આક્ષેપ કરીને મહંત સામે યોગ્ય પગલાં ભરવાની માગ કરી છે. ટ્રસ્ટીઓ અને ભાવિકોએ મંદિર અને ટ્રસ્ટ બચાવવા માટે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.
મંદિર મિલકતનો વિવાદ
સાધુ શ્યામનારાયણાચાર્યએ ખોરાસા મંદિરની મિલકત પણ અન્ય ટ્રસ્ટીઓની જાણ બહાર પોતાને નામે કરી લીધી હોવાનો આરોપ છે. ટ્રસ્ટીઓ કહે છે કે, મંદિર અને આ મિલકત માટે ટ્રસ્ટીમંડળ બનાવવાની વાત આવે ત્યારે તે કહે છે કે, ટ્રસ્ટ છે જ નહીં! આ ઉપરાંત તેઓ આ અંગેનો હિસાબ પણ રજૂ કરતા નથી. અનેક વખત ચેરિટી કમિશ્નરમાં રજૂઆત કરાઈ પરંતુ જવાબ મળતો નથી. હિસાબ માટે એફઆઇઆર કરાઈ હતી. કલેકટર કચેરી, ચેરિટી કમિશ્નરમાં રજૂઆત કરાઈ હતી. કેટલાક અગ્રણી અને ટ્રસ્ટી પ્રવીણભાઈ ચાવડા કહે છે કે, મહંત રાજકીય આગેવાનોના જોરે પોલીસ ફરિયાદ કરાવી અમને બિવડાવવાનો પ્રયાસ કરે છે.
મારા વિરુદ્ધ ષડયંત્ર
શ્યામનારાયણાચાર્ય કહે છે કે, આ બધી વાતો ખોટી છે અને આ મારા વિરુદ્ધના ષડયંત્રો છે. મારી પાસેથી ટ્રસ્ટ, મંદિર હડપી લેવાનો પ્રયાસ છે. હિસાબો અપાતા નથી તે ખોટા આક્ષેપ છે. કારણ કે દર વર્ષે નિયમિત ઓડિટ થાય છે. ઓડિયો ક્લિપ ડબિંગ કરી જુદી રીતે રજૂ કરાઇ છે. મારી પાસે જમીન વારસાઇનો ગવર્નરનો હુકમ છે અને હું જૂના મહંતના વિલના આધારે મહંત અને પ્રમુખ, ટ્રસ્ટી બન્યો છુ઼ં. ઉલ્લેખનીય છે કે અગાઉ મુંબઇના કાંદવલી પશ્ચિમમાં રહેતા કિશોર મનસુખલાલ ઉનડકટે પણ મંદિર ટ્રસ્ટ વહીવટ અંગે ચેરિટી કમિશ્નરને ૧૮ની મે ૨૦૨૦ના રોજ પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, પોતે ખોરાસા મંદિરના પેઢી દર પેઢીના સેવક છે. તેમણે શ્યામનારાયણ પર આક્ષેપ કર્યા હતા કે, તે વ્યભિચારી, વિકૃત સ્વભાવ ધરાવતા, અનેક સ્ત્રીમિત્રો સાથે સંબંધ ધરાવતા, મઠ અને મંદિરના પૈસાનો ઉપયોગ સ્ત્રીઓને ખુશ કરતા માણસ છે. તેમને મંદિરના ગાદીપતિ પદેથી તાત્કાલિક હટાવવા માગ કરાઈ હતી.