ગઢડાઃ ગઢપુર ગઢડા સ્વામીનારાયણના શ્રી ગોપીનાથજી દેવમંદિર ટેમ્પલ બોર્ડની વહીવટી કમિટીની ચૂંટણી ૧૩ વર્ષ પછી પાંચમી મેએ યોજાઈ હતી અને આ ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય થયો છે. જોકે ચૂંટણીના માહોલમાં ૩જી મેએ એસ પી સ્વામી સહિત ત્રણ વ્યક્તિઓની ગઢડા પોલીસે જૂના કેસમાં ધરપકડ કરી હતી, પણ અટકાયત પછી એસ પી સ્વામીને જામીન મળી ગયા હતા. એ પછી સુપ્રીમ કોર્ટના આદેશ અને તેના નિરીક્ષણમાં રવિવારે ચૂંટણીનું મતદાન યોજાયું હતું.
કુલ સાત ઉમેદવારો
વડતાલ મંદિરના સત્તાધારી ગ્રૂપ અને રાકેશપ્રસાદજીના સમર્થક દેવ પક્ષ તથા ગઢડા સ્વામીનારાયણ અને જૂનાગઢ ટેમ્પલ બોર્ડનો વહીવટ સંભાળતા અજેન્દ્રપ્રસાદજીને આચાર્ય તરીકે માનતા તથા ગઢડા અને જૂનાગઢ ટેમ્પલ બોર્ડનો વહીવટ સંભાળતા આચાર્ય પક્ષ વચ્ચે ચૂંટણી હતી. આ ચૂંટણીમાં ત્યાગી વિભાગમાંથી ૩ ઉમેદવારો અને ગૃહસ્થ વિભાગમાંથી ૪ ઉમેદવારો મળીને કુલ સાત ઉમેદવારો માટે ચૂંટણી હતી. ચૂંટણીમાં ૭૦ ટકા જેટલા મતદાન અને ભારે ખેંચતાણ વચ્ચે પરિણામો મળ્યા હતા. મતગણતરી સોમવારે વહેલી સવારે ૮ વાગે ગઢડામાં કન્યા વિદ્યાલયમાં શરૂ કરવાના બદલે બે કલાક મોડી શરૂ થઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયોલી આ મતગણતરીના પરિણામો છેલ્લી ઘડી સુધી મત ગણતરી રૂમની બહાર નહીં આવવા દેવા સહિતની તકેદારી રાખાઈ હતી. છેલ્લે મોડી સાંજે ચૂંટણી અધિકારી એસ. એમ. સોની દ્વારા પરિણામોની વિધિવત જાહેરાત કરાઈ હતી.
એક બોગસ મતદાર
ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગમાં સરેરાશ ૬૫ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું જ્યારે ત્યાગી વિભાગની બે બેઠક પર ૯૫ ટકા જેટલું નોંધપાત્ર હતું. જોકે એક બોગસ મતદાર નોંધાતા પોલીસમાં અરજી લખાવાઈ હતી. મતગણતરીના અંતે આચાર્ય પક્ષના એક બ્રહ્મચારી બિનહરીફ ચૂંટાયા હતા. આ જ પક્ષના એક પાર્ષદ રમેશભગત તથા ગૃહસ્થ વિભાગના એક ઉમેદવાર ચૂંટાયા. દેવ પક્ષના સાધુ વિભાગના એક ઉમેદવાર તથા ગૃહસ્થ વિભાગના ત્રણ ઉમેદવાર ચૂંટાયેલા જાહેર કરાયા હતા. આમ આ પરિણામોના અંતે દેવ પક્ષના ચાર ઉમેદવારો અને આચાર્ય પક્ષના ત્રણ ઉમેદવારો વિજયી જાહેર થતાં દેવ પક્ષને જીત મળી હતી. આ પરિણામોની જાહેરાત બાદ ભારે આતશબાજી વચ્ચે વિજેતાના સમર્થકોએ જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો.
એસ પી સ્વામીનો પરાજય
મુખ્ય સૂત્રધાર અને વહીવટકર્તા એસ પી સ્વામી ત્યાગી વિભાગમાંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. જેની સામે દેવ પક્ષના સાધુ હરિજીવનદાસજી ચૂંટણી લડી રહ્યા હતા. સાધુ વિભાગમાંથી હરિજીવનદાસજીને ૧૧૨ મત તથા એસ પી સ્વામીને ૩૦ મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સાધુ વિભાગમાંથી એસ પી સ્વામી ગત ચૂંટણીમાં પણ પરાજિત થયા હતા. આ ચૂંટણીમાં એસ પી સ્વામી પરાજિત થતાં ચૂંટણી પ્રક્રિયામાં, ઉમેદવારીના નામાંકનમાં અને મતદારોનાં નામથી માંડીને મતગણતરીમાં ગેરરીતિઓ થયાના આક્ષેપ સાથે આ પરિણામોને સુપ્રીમ કોર્ટમાં પડકરવાનો તેમણે નિર્દેશ કર્યો હતો.
મહંતનો જામીન પર છુટકારો
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૭માં ગઢડાના ગોપીનાથજી મંદિરની દિવાલ મામલે એક ગુનો નોંધાયો હતો. મૌલિક ભગત વિરુદ્ધ મંદિરની દુકાનોના ઝઘડા બાબતે આ ગુનો નોંધાયો હતો. એસ પી સ્વામી અને કોઠારી સ્વામી વિરુદ્ધ નોંધાયેલા આ ગુનામાં ગઢડા પોલીસે ચૂંટણીના માહોલ વચ્ચે ૩જી મેએ એસ પી સ્વામી સહિત ચાર જણાની અટકાયત કરી હતી અને સ્વામી સહિત ચારેયને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કર્યાં હતા. મેજિસ્ટ્રેટે સ્વામીના જામીન મંજૂર કર્યાં હતાં અને એસ પી સ્વામીએ ચૂંટણીમાં ભાગ લીધો હતો.