ગઢડા: ગઢડા સ્વામીનારાયણ મુકામે વડતાલ તાબાના સ્વામીનારાયણ મંદિરના લક્ષ્મીવાડીનો એક મહિલાનો લઘુશંકા કરવા ગયાનો વીડિયો વાયરલ થવા બાબતે મહિલા દ્વારા પોલીસમાં અરજી કરાઈ હતી. એ પછી ૨ સપ્ટેમ્બરના રોજ ચેરમેન અને કોઠારી વિરુદ્ધ આઈ.ટી. એકટ સહિત મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ આ ફરિયાદમાં દર્શાવેલાં આરોપી પૈકી દેવપક્ષના ચેરમેન તરફથી સમગ્ર બાબતને ષડયંત્ર જણાવી આ અજેન્દ્રપ્રસાદજીના સમર્થકો અને આચાર્ય પક્ષના ટેકેદારોનો દોરી સંચાર હોવાનું જણાવ્યું હતું. આ વીડિયોની તપાસ કાર્યવાહી માટે પોલીસ સુધી પહોંચ્યા કે નહીં તેમજ વાયરલ કોણે કર્યા તે બાબતે અનેક પ્રશ્નાર્થો ઊભા થયાં છે. તેમજ સમગ્ર પ્રકરણે પક્ષા પક્ષીમાં વિવેકભાન ભૂલી બીજાને હલકા સાબિત કરવા માટે વીડિયો વહેતો કરવાની માનસિકતા ભારે પડવા પામેલ છે. સમગ્ર બાબતે હલકી કક્ષા સુધી પહોંચેલા આ પ્રકરણથી હવે કોણ કેવી રીતે ધર્મના સિદ્ધાંતોને સ્થાપિત કરશે તેવી દ્વિધા ઉભી થવા પામેલ છે.