ભાયાવદરઃ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સ્વયંભુ પ્રગટ થયેલા ગણેશજીનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરે ભાવિકો ટપાલથી દુઃખ-દર્દ દાદાને લખીને મોકલે છે અને પુજારી રોજ એકાંતમાં ગર્ભગૃહમાં ગણપતિ દાદાને ટપાલો વાંચી સંભળાવે છે. છેલ્લા ૨૭ વર્ષથી મંદિરમાં આ પરંપરા ચાલી આવે છે.
ગણપતિદાદાને આ મંદિરે ટપાલ લખી મોકલવાથી દુઃખ-દર્દ દૂર થતા હોવાની અને મનોકામના પૂર્ણ થતી હોવાની લોકવાયકા છે. આ ગણેશ મંદિરમાં ભાવિકોની રોજની ૪૦થી વધુ ટપાલો આવે છે જ્યારે ગણેશોત્સવથી દિવાળી સુધીના સમયગાળામાં રોજના સરેરાશ ૧૫૦ જેટલા કવર મળે છે. ગણેશ મંદિરે ૨૭ વર્ષથી દરરોજ ટપાલ વાંચવામાં આવે છે. મંદિરના પુજારી કૈલાસવાસી પુ. દયાગીરી બાપુએ શરૂ કરેલી પરંપરા તેમના પુત્ર અને હાલના મંદિરના પુજારી ભરતગીરી ગોસ્વામીએ જાળવી રાખી છે. તેઓ રોજ ટપાલમાં આવેલ કવરો ખોલી ભાવિકોની પ્રાર્થના, દુઃખ દર્દ, મનોકામના ગણપતિ દાદા સમક્ષ વાંચી સંભળાવે છે. છેલ્લાં ૨૭ વર્ષથી ભાવિકોની આવેલી તમામ ટપાલો મંદિરના પોસ્ટરૂમમાં સાચવીને રખાઈ છે.