પોરબંદરઃ રાજ્યમાં પાણીની તીવ્ર તંગી છે ત્યારે દરિયા કિનારે વસેલા પોરબંદરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા મકાનોમાં ભૂગર્ભ ટાંકાનું નિર્માણ કરાયું હતું તે જોવા મળે છે. આવા ટાંકામાં ચોમાસા દરમિયાન સંઘરેલું પાણી ઉનાળામાં પાણીની ખેંચ વખતે પણ કામ લાગતું હતું. જેથી ઘરોમાં સંગ્રહાયેલું પાણી ઉપયોગમાં આવી જતું હતું. પોરબંદરમાં જમીનના તળ ખારા હોવાથી જમીનના તળનું પાણી પીવાના પાણી તરીકે ઉપયોગમાં લઈ શકાતું નથી. જેને લીધે પોરબંદરને પીવાના પાણી માટે હંમેશા જમીનના તળમાંથી નીકળતા પાણી સિવાય અન્ય વિકલ્પો પર નિર્ભર રહેવું પડે છે.
સુંદર ઇજનેરી કૌશલ્ય સાથેના ભૂગર્ભ ટાંકા
અગાઉના સમયમાં સરકારો દ્વારા પાણી વિતરણની કોઈ સુચારુ વ્યવસ્થા ન હતી ત્યારે આ સમસ્યાને પહોંચી વળવા પોરબંદરના લોકો દ્વારા પોતાના રહેણાક મકાનોમાં મસમોટો ખાડો ખોદી પાકું બાંધકામ કરી ભૂગર્ભ ટાંકાનું નિર્માણ કરાવમાં આવતું હતું. ખૂબ જ સુંદર ઇજનેરી કૌશલ્ય સાથે બનાવાતા આ ભૂગર્ભ ટાંકામાં મકાનની છત પર પડતા વરસાદનું પાણી પાઈપ વડે ભૂગર્ભટાંકામાં ઉતારી દેવાની વ્યવસ્થા કરાતી હતી. જેને લીધે આવા ભૂગર્ભટાંકાઓ ચોમાસા દરમિયાન છલોછલ ભરાઈ જતા અને તે જ પાણી આખું વર્ષ અને ખાસ કરીને ઉનાળામાં ઉપયોગમાં લેવાય છે. પોરબંદરમાં આવેલા ગાંધીજીના જન્મસ્થળવાળા પૈતૃક મકાનમાં આવા ભૂગર્ભ ટાંકા આજે પણ છે.
મોદીએ પણ બિરદાવ્યા હતા
પોરબંદરમાં અગાઉના સમયમાં બનાવવામાં આવતા પાણીસંગ્રહના ભૂગર્ભ ટાંકાની વાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં પણ કરી હતી અને ગાંધીજીના મકાનમાં મોજુદ આવા ટાંકા તેમણે ખુદ જોયા હોવાનું તેમજ પાણી સંગ્રહ માટેની આ પદ્ધતિ શ્રેષ્ઠ પદ્ધતિ હોવાનું તેમણે જણાવ્યું હતું.
૧૦૦૦થી લઈને ૪૦૦૦ ફૂટની ક્ષમતા
પોરબંદરમાં બનાવવામાં આવતા ભૂગર્ભ ટાંકા ૧૦ ફૂટ લાંબા, ૧૦ ફૂટ પહોળા અને ૧૦ ફૂટ ઊંચાઈના બનાવવામાં આવતા અને મોટી જગ્યાઓમાં ૪૦૦૦ ફૂટની ક્ષમતા સુધીના પણ આવા ભૂગર્ભટાંકાો બનાવવામાં આવતા હતા.