રાજકોટ: સેલિબ્રેટિંગ ઇન્ડિયા ૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની રાજ્યવ્યાપી શૃંખલા અન્વયે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૯૧ વર્ષ બાદ જીવંત થઈ ઉઠેલી દાંડીયાત્રાના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા ગાંધીજીને વિદ્યાર્થી જીવનથી જ નૈતિકતાનું બળ પૂરું પાડવામાં રાજકોટનું યોગદાન અમૂલ્ય છે.
પોતાના જીવન ઘડતરના મહામૂલા ૧૫ વર્ષો રાજકોટ ખાતે વિતાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રાજકોટ ખાતેની યાદોને પણ નીતિનભાઈએ તાજી કરી હતી. દેશની નવી પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાથી વાકેફ કરાવવાની આપણી નૈતિક જવાબદારીનું નીતિન પટેલે સ્મરણ કરાવ્યું હતું અને ગાંધીજીના હસ્તે મળેલી અમૂલ્ય આઝાદી દ્વારા આત્મનિર્ભરતા - સ્વરોજગારી - સ્વદેશીનો વ્યાપ વિસ્તારવા આહવાન કર્યું હતું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં જીવનજરૂરી ચીજ એવા મીઠા પર અંગ્રેજ શાસકો દ્વારા લગાવાયેલા કરનો વિરોધ કરવા ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડીકૂચને રાજકોટ ખાતે આબેહૂબ રીતે જીવંત કરવામાં આવી હતી. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી આદરાંજલિ આપી હતી. તેમજ રાજકોટના સ્વતંત્ર્ય સેનાની મનુભાઈ વિઠલાણીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાયલા આ કાર્યક્રમનો શુભારંભ ધોળકિયા સ્કૂલની છાત્રાઓના સ્વાગત ગીતથી થયો હતો. બે મિનિટનું મૌન પાળીને ઉપસ્થિતોએ સ્વાતંત્ર્ય સેનાનીઓને અંજલિ આપી હતી. ન્યુ એરા સ્કૂલના વિદ્યાર્થીઓએ ભજન રજૂ કર્યું હતું. ગાંધીજીના જીવન-પ્રસંગોને તાદ્રશ્ય કરતો એક રાષ્ટ્રભક્તિ સભર ગરબો આ પ્રસંગે રજુ કરાયો હતો.