ભુજઃ ભુજથી મુન્દ્રા જતા માર્ગ પર આવેલા બેરાજા નજીક પાંચમી જૂને સવારે સાડા દસ વાગ્યાના અરસામાં ભારતીય વાયુસેનાનું લડાયક વિમાન જગુઆર તૂટી પડતાં તેના પાઈલટ સંજય ચૌહાણનું મોત થયું હતું. આ વિમાને જામનગર એરબેઝ પરથી ઉડાન ભરી હતી અને તે રેગ્યુલર શોર્ટી પર હતું. જામનગર એરફોર્સ સ્ટેશનના એર કમાન્ડિંગ ઓફિસર એર કોમોડોર સંજય ચૌહાણ વિમાન તૂટવા સમયે પોતાની ચેરને ઇજેક્ટ કરીને બહાર કૂદીને જીવ બચાવી શકે એમ હતાં પણ જો તેમ કરત તો વિમાન કદાચ નજીકના ગામ પર તૂટી પડત અને મોટી જાનહાની થાત. આવું ટાળવા માટે તેમણે વિમાનને દૂર સુધી ચલાવ્યું અને અંતે પોતે પણ મોતને ભેટ્યા હતાં.
ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય
એરબેઝનાં શહીદ ચીફ એર-કોમોડોર સંજય ચૌહાણની તેમના પુત્રે લંડનથી આવીને અંતિમવિધિ કરી હતી. અંતિમવિધિ અગાઉ મુખાગ્નિ પહેલાં હવામાં ફાયરિંગ કરીને જામનગર એર બેઝનાં અધિકારીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
એર કોમોડોરની પત્નીને જ્યારે નિયમ પ્રમાણે શહીદ થયેલા તેમનાં પતિના યુનિફોર્મ અને કેપ આપવામાં આવ્યા ત્યારે ભાવુક માહોલ જોવા મળ્યો હતો. પ્રોટોકોલ પ્રમાણે સ્વાકના ડેપ્યુટી ચીફ ઓફ એરસ્ટાફ એર માર્શલ આર. નાબિયાર દ્વારા શહીદના દેહને ગોઠવાયો હતો. ગાર્ડ ઓફ ઓનર વખતે સાઉથ-વેસ્ટ એર કમાન્ડના વડા એર માર્શલ ધીરે પણ હાજર રહ્યાં હતા.