ગોંડલઃ કોટડાસાંગાણી તાલુકાના શિક્ષણ ગામમાં ગંગા નામની ગાયનું તાજેતરમાં મૃત્યુ થયું તો તેના પાલક પટેલ પરિવારે પોતાના ઘરના પટાંગણમાં જ ગાયની અંતિમવિધિ કરી હતી. પાલતુ પશુના મોત બાદ ઘણા લોકો તેમના મતૃદેહને રઝળતા મૂકી દેતાં હોય છે અથવા તેનું ચર્મ વેચી નાંખતા હોય છે, પણ બાવજીભાઈ સગપરીયાના પરિવારે ગાયની અંતિમ ક્રિયા કરી. ૧૭ વર્ષ પહેલા ગોંડલ તાલુકાના બંધિયા ગામેથી આ પરિવાર ગંગા નામની વાછરડી ઘરે લાવ્યો હતો. ગાયનો નિભાવ પરિવારના સદસ્યોની જેમ જ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ગંગાએ વાછરડીને જન્મ આપ્યો હતો. એ પછી તેનું મૃત્યુ થયું હતું. ગંગાને પરિવારના સભ્યની જેમ અંતિમ વિદાય આપવાનું કુટુંબે નક્કી કર્યું. બાવજીભાઈ એ પોતાના ઘરના પટાંગણમાં જ જેસીબી મશીન બોલાવીને ઊંડો ખાડો ખોદાવ્યો હતો અને ગંગાને સાડી, બંગડી, ચાંદલા, પાવડર, કાંસકો, તેલ વગેરે અર્પણ કરીને નવવધૂની જેમ શણગારી તેની અંતિમ વિધિ કરી હતી. પરિવારે ગંગાની સંપૂર્ણ અંતિમ વિધિ ઉપરાંત ૨૧ ગોરણીઓ જમાડવાનું પણ આયોજન કર્યું છે.