જૂનાગઢ: ગુજરાત રાજ્ય રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રવિવારે આયોજિત ૩૫મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં કુલ ૧૧૨૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સિનિયર ભાઈઓમાં ૪૬૫, જુનિયર ભાઈઓમાં ૪૦૩, સિનિયર બહેનોમાં ૧૦૨ અને જુનિયર બહેનોમાં ૧૫૦ સ્પર્ધકો હતા. આ સ્પર્ધા ભાઇઓ માટે અંબાજી સુધી ૫૫૦૦ પગથિયા ૨ કલાકમાં ચઢીને ઉતરવાના હોય છે અને બહેનો માટે માળી પરબ સુધી ૨૨૦૦ પગથિયા ૭૫ મિનિટમાં ચડીને ઉતરવાના હોય છે. ૫૭૫ ભાઈઓ અને ૧૯૪ બહેનોએ સમયમર્યાદામાં આ સ્પર્ધા પૂરી કરી હતી.
આ સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં લાલાભાઈ પરમાર ૫૯.૩૦ મિનિટના સમય સાથે અને જુનિયર ભાઈઓમાં લિલતકુમાર નિશાદ ૫૯.૩૨ મિનિટ સાથે પ્રથમ રહ્યા હતા. સિનિયર બહેનોમાં પ્રિયંકા ભૂત ૩૮.૨૧ મિનિટમાં સ્પર્ધા પૂરી કરીને પ્રથમ ક્રમે રહી હતી. જુનિયર બહેનોમાં ૪૦.૪૬ મિનિટના સમય સાથે પારૂલ વાળા પ્રથમ રહી હતી. વિજેતા સ્પર્ધકોને જૂનાગઢ કોર્પોરેશન દ્વારા રૂ. ૧ લાખ અને રાજય સરકાર દ્વારા ૬૬ હજાર ઉપરાંત પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા.