જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમાનો આગામી ૧૧મી નવેમ્બરથી વિધિવત પ્રારંભ થનાર છે. આ અંગેની તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ૭૦થી વધુ અન્નક્ષેત્રોને મંજૂરી આપવામાં આવી છે. પોલીસે સુરક્ષા માટે ૪૦ રાવટીઓ ઊભી કરી છે. ગિરનારની ગોદમાં યોજાતી પરંપરાગત ૩૬ કિ.મી.ની પરિક્રમા જંગલના દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં યોજાય છે, પરંતુ ભાવિકો સુવિધાની પરવા કર્યા વગર લાખોની સંખ્યામાં ઉમટી પડે છે.
જંગલના ૩૬ કિ.મી.ના વિસ્તારમાં રાત્રિના ત્રણ-ત્રણ પડાવો વચ્ચે યોજાતી આ લીલી પરિક્રમામાં જોડાતા ભાવિકોની સુરક્ષા માટે આઈ. જી. પાંડિયનની સૂચના મુજબ જિલ્લા પોલીસવડા નિલેશ જાજડિયા દ્વારા વ્યવસ્થા અને બંદોબસ્તની ફાળવણી કરાઈ છે. જ્યારે વન્ય પ્રાણીઓ તથા વન્ય સંપદાને નુકસાન ન થાય તે રીતે નાયબ વન સંરક્ષણ સેન્થીલકુમારના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા જંગલમાં છાવણીઓ નંખાઈ છે.