જૂનાગઢ: આખરે ગિરનાર રોપ- વેની ટ્રાયલ શરૂ કરવામાં આવી હોવાનું ૯મી ઓક્ટોબરે નોંધાયું છે. ઓસ્ટ્રિયાથી બીજી ટીમ આવ્યા બાદ આ કામગીરીનો પ્રારંભ કરાયો છે. ૮ વ્યક્તિનાં વજન જેટલો સામાન રાખી ટ્રોલીઓ દોડાવાઇ રહી છે. આમ, રોપ-વે પ્રોજેકટ તેમના અંતિમ ચરણ તરફ છે.
ઓસ્ટ્રિયાની એક ટીમ અગાઉ પણ અહીં આવી હતી ત્યારે રોપ-વેના સિગ્નલ સહિતની કામગીરી કરવામાં આવી રહી હતી. હવે ઓસ્ટ્રિયાથી બે ટેક્નિકલ સ્ટાફની બીજી ટીમ આવી છે ત્યારે રોપ-વેની ટ્રોલીનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. નવમીએ સવારના ૮:૦૦ વાગ્યાથી લઇને સાંજના ૭:૦૦ વાગ્યા સુધી રોપ-વેની ૨૫ ટ્રોલીને દોડાવાઇ રહી છે. ખાસ કરીને એક ટ્રોલીમાં ૮ વ્યક્તિ બેસી શકે તેવી ક્ષમતા હોય ૮ વ્યક્તિના અંદાજિત વજનને ધ્યાને રાખી આટલો જ સામાન- વજન રાખી ટ્રોલીનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. નવરાત્રીમાં રોપ-વેનું ઉદઘાટન કરવાનું હોય તે રીતે કામગીરી વેગવંતી બનાવાઇ છે. શક્યતઃ રોપ-વે પહેલા નોરતે ખુલ્લો મૂકવાનું સરકારનું આયોજન હોવાનું ચર્ચાય છે. ગિરનાર પર્વત પર જવા માગતા શ્રદ્ધાળુઓ માટે તૈયાર થતો રોપ-વે ૧૭મી ઓક્ટોબરે ખૂલ્લો મુકાશે તેવી સંભાવના છે.
૨૦૦૭ની સાલમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરનાર તે વખતના મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ રોપ-વેને ખુલ્લો મૂકવા માટે ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ રોપ-વે પાછળ રૂ. ૧.૧૦ કરોડનો ખર્ચ કરાયો છે.
આ રોપ-વે દરિયાની સપાટીથી અંદાજે ૩૫૦૦થી ૩૭૦૦ મીટર ઊંચાઈએ બનશે અને રોપ-વેમાં અંદાજે ૧૬ કેબિન કનેક્ટ કરવામાં આવશે. આ કેબિનમાં એક સાથે ૧૬ જણ ઉપર જઈ શકશે. રોપ વે દ્વારા યાત્રાળુ નવ જ મિનિટમાં ઉપરની ટૂંકે પહોંચી જશે. આ રોપ-વે સતત ફરતો જ રહેશે. યાત્રાળુઓને ઉપર દર્શન કરવા માટે એકાદ કલાક સુધી રહેવાનો અવસર અપાશે. ત્યારબાદ તેમને તે જ રોપવેમાં પાછા લઈ આવવામાં આવશે.
આ રોપ-વેની ટિકિટ અંદાજે રૂ. ૭૦૦ રાખવામાં આવે તેવી શક્યતા છે. ડોલીમાં બેસાડીને લઈ જનારાઓ યાત્રાળુઓ પાસે વ્યક્તિદીઠ રૂ. ૪૦૦૦થી ૫૦૦૦ લે છે તેની સામે રૂ. ૭૦૦માં રિટર્ન ટિકિટ ઈશ્યુ કરવામાં આવે તેવી સંભાવના છે. ડોલી-પાલખીમાં બેસાડીને વૃદ્ધ અને અશક્ત યાત્રાળુઓને દર્શન કરાવતા ડોળીવાળાઓને તેને પરિણામે થનારી નુકસાની સરભર કરી આપવા માટે તે જ વિસ્તારમાં દુકાન કરી આપવાની તૈયારી સરકારે દાખવી હોવાનું જાણવા મળી રહ્યું છે.