જૂનાગઢ: ગરવા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે 36 કલાક વહેલી સંપન્ન થઈ હતી તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે છ લાખ જેટલા પદયાત્રીઓનો ઘટાડો પણ નોંધાયો છે. આ વર્ષે સાત લાખ પદયાત્રીઓએ પરિક્રમા કર્યાનો અંદાજ છે, ખેતીની સિઝન ચાલુ હોવાથી અનેક ભાવિકો આ વર્ષે આવ્યા ના હોવાનું મનાય છે.
41 ટન કચરો એકત્ર થયો
હવે જંગલ તેમજ પરિક્રમા રૂટમાં સફાઈ અભિયાન શરૂ થયું છે. પરિક્રમા બાદ શરૂ થયેલા સફાઇ અભિયાન દરમિયાન 41 ટન કચરો એકત્ર થયાના અહેવાલ છે. ગિરનારનું જંગલ ખાલીખમ થઈ જતાં સફાઈની કામગીરી પુરજોશમાં શરૂ થઇ હતી. આ વખતે પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધનો શક્ય તેટલો કડકાઇથી અમલ કરાવાયો હોવાથી પ્લાસ્ટિક બેગ અને બોટલનો કચરો તો બહુ ઓછો છે, પરંતુ લાખો યાત્રિકોએ પાંચ દિવસ દરમિયાન જંગલમાં લીધેલા પ્રસાદ (જમણવાર) - ચાપાણી નાસ્તો વગેરેના કારણે જંગલમાં ગંદકી સર્જાઈ છે. આ વર્ષે પાવનકારી ગિરનારની 36 કિમીની લીલી પરિક્રમા 42 કલાક વહેલી શરૂ થઈ હતી, અને પૂરી પણ વહેલી થઇ ગઇ છે. ભારે ધસારાના કારણે વન વિભાગ અને વહીવટી તંત્ર મજબુર થઈને ગેઈટ વહેલો ખોલી નાખવો પડયો હતો.
ગત વર્ષ કરતા છ લાખનો ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે. નોંધનીય છે કે, ગત વર્ષ આશરે 13.25 લાખ લોકોએ પરિક્રમામાં જોડાયા હતા. જે આ વર્ષે છ લાખની વધુનો ઘટાડો થવા પામ્યો છે.