જૂનાગઢઃ એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપ-વે ગિરિવર ગિરનારની ગોદમાં કાર્યરત થઇ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે - હવનાષ્ટમીના દિવસે દિલ્હીથી આ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. સૌપ્રથમ ૧૯૮૩માં કાગળ પર તૈયાર થયેલો આ પ્રોજેક્ટ અનેક કાનૂની અડચણોમાં અટવાતા અટવાતા આખરે સાડા ત્રણ દસકા બાદ સાકાર થયો છે. અંબાજી, પાવાગઢ, સાતપુડા પછી રાજ્યનો આ ચોથો રોપ-વે છે.
રાજ્યના ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના, જૂનાગઢમાં રોપ-વે પ્રોજેક્ટ અને અમદાવાદમાં યુએન મહેતા હોસ્પિટલમાં બાળકો માટેની કાર્ડિયાક હોસ્પિટલ એમ મહત્ત્વના ત્રણ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં વડા પ્રધાને જણાવ્યું કે, ગુજરાતે હંમેશા સામાન્ય માનવીની સુવિધા સુખાકારી માટે ઉદાહરણીય પ્રતિબદ્ધતા દાખવી છે. તેમણે આ ત્રણેય પ્રોજેક્ટને શક્તિ, ભક્તિ અને સ્વાસ્થ્યનું પ્રતિક જણાવ્યા હતા.
વિશ્વનિવાસી ગુજરાતીઓ બને બ્રાન્ડ એમ્બેસેડર
વડા પ્રધાને જણાવ્યું હતું કે, પ્રવાસન ક્ષેત્રમાં ઓછી મૂડીમાં વધુમા વધુ રોજગાર ઉપલબ્ધ થઈ શકે છે. પ્રવાસીઓ વધુ ત્યારે જ આવશે જ્યારે તેને આધુનિક સુવિધાઓ મળશે. તેઓએ વિશ્વસમાં વસતા ગુજરાતીઓને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બની પ્રવાસન સ્થળો વિશે વાકેફ કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગીરથી સોમનાથ, ગિરનાર અને દ્વારકા આ પ્રવાસીઓ માટે ટૂરિસ્ટ સર્કિટ છે. સાસણ ગીર, સોમનાથ, ભાલકા તીર્થ, દ્વારકા અને ત્યારબાદ ગિરનાર હિલ. આનાથી પ્રવાસીઓને એક જ પેકેજમાં બધું મળી રહે છે.
આસ્થા અને પ્રવાસનનું કેન્દ્ર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગિરનાર આસ્થા અને પ્રવાસનનું કેન્દ્ર છે. ત્યાં મા અંબે, ગુરુ દત્તાત્રેય તેમજ જૈન મંદિરો આવેલા છે.
પગથિયા ચડીને ગિરનાર પર ગયેલા માણસને ત્યાં પહોંચીને પરમ શાંતિનો અનુભવ થાય છે. અગાઉ પગથિયા ચડીને અંબાજી સુધી જવા માટે ચાર-પાંચ કલાક થતા હતા. હવે લોકો રોપ-વે દ્વારા ૭-૮ મિનિટમાં પહોંચી જશે. રોપ-વે કાર્યરત થવાથી જૂનાગઢમાં સ્થાનિક કક્ષાએ રોજગારીના અનેક નવા અવસર ઊભા થશે અને ગિરનાર એડવેન્ચર હબ બનશે અને વધુ પ્રવાસીઓ આવશે. મોદીએ જણાવ્યું હતું કે, રોપ-વે પ્રોજેક્ટ આડે અનેક અવરોધ આવ્યા હતા. તેનાથી મોટું નુકસાન થયું છે. જો આવા અવરોધ ઊભા ન થયા હોત તો રોપ-વે વહેલો કાર્યરત થઈ ગયો હોત.
શહેરના બિલખા રોડ પર આવેલા પીટીસી કોલેજના કમ્પાઉન્ડમાં કિસાન સૂર્યોદય યોજના અને ગિરનાર રોપ-વેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રુપાણી, પ્રવાસન પ્રધાન જવાહરભાઈ ચાવડા સહિતના પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.
કિસાન સૂર્યોદય યોજના વિશે વડા પ્રધાને જણાવ્યું હતું કે, દિવસે વીજળી એ ખેડૂતો માટે નવું સવાર છે. અન્નદાતા ઉર્જાદાતા બને તે દિશામાં પ્રયાસો ચાલી રહ્યાં છે. તેઓ ખેડૂતોને પર ડ્રોપ મોર ક્રોપનો મંત્રી આપીને પાણીનો દુરુપયોગ ન થાય તેની કાળજી રાખવા જણાવ્યું હતું.
૯૯૯૯ પગથિયા માત્ર ૭ મિનિટમાં
ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર ૨.૩ કિમી દૂર છે. આ અંતર રોપ-વે દ્વારા માત્ર ૭ મિનિટમાં કાપી શકાશે. હાલ તળેટીથી મંદિર સુધીના ૯૯૯૯ પગથિયા ચઢતાં પાંચથી છ કલાક લાગે છે. રોપ-વેમાં કુલ ૨૪ ટ્રોલી લગાવાઇ છે, અને એક ટ્રોલીમાં ૮ લોકો બેસી શકશે. આમ એક ટ્રીપમાં ૧૯૨ દર્શનાર્થી જઇ શકશે. એક કલાકમાં અંદાજે ૮૦૦ દર્શનાર્થી તળેટીથી મંદિર સુધી જઇ શકશે.
ગિરનારની ઊંચાઇ ૩૫૦૦ ફૂટ
ગિરનાર પર્વતની ઊંચાઇ ૩૫૦૦ ફૂટ છે. સર્વોચ્ચ શિખર ૩૬૬૬ ફૂટ ઊંચું છે. અહીં પવનની તીવ્ર ગતિ રહે છે. તેનો સામનો કરવા રોપ-વેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવાઇ છે. રોપ-વે માટે ૯ ટાવર લગાવાયા છે. તેમાંથી ૬ નંબરનો ટાવર સૌથી ઊંચો (અંદાજે ૬૭ મીટર) છે, જે ગિરનારના છેલ્લાં પગથિયાની નજીક છે. દરેક ટાવર વચ્ચે તેમની ઊંચાઇ ૭-૮ માળ જેટલી રખાઇ છે
આખરે સ્વપ્ન સાકાર
આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રોપ-વે કાર્યરત થવાથી નરેન્દ્રભાઈનું સ્વપ્ન પૂર્ણ થયું છે અને જૂનાગઢના લોકોને નવરાત્રીમાં નજરાણું મળ્યું છે. હવે વૃદ્ધો અને બાળકો આસાનીથી અંબાજી મંદિરે જઈ દર્શન કરી શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદના મોટેરા સ્ટેડિયમ બાદ રોપ-વે ત્રીજો યુનિક પ્રોજક્ટ છે. મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, રોપ-વે પ્રોજેક્ટને ખોરંભે પાડવા માટે વિરોધીઓએ અનેક અવરોધ ઉભા કર્યા હતા. જોકે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ તમામ અવરોધો દૂર થયા અને રોપ-વેનું સ્વપ્ન આજે સાકાર થયું છે.
મુખ્ય પ્રધાને મા અંબાના કર્યા દર્શન
મુખ્ય પ્રધાન વિજયભાઈ અને તેમના પત્ની અંજલીબેન, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવોએ રોપ-વેમાં જઈને મા અંબાના દર્શન કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ૨૨ વર્ષ પહેલાં હું ગિરનાર આવ્યો હતો અને આજે રોપ-વેના લીધે ૨૨ વર્ષ બાદ ફરી માતાજીના દર્શન થઈ શક્યા છે.
રૂ. ૨૦૦ કરોડની આવક થશે
પ્રવાસન પ્રધાન જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, રોપ-વેનું લોકાર્પણ થયું છે. આથી હવે શ્રદ્ધાળુઓ ઉપરાંત પ્રવાસીઓ આવશે. તેઓના કારણે જૂનાગઢમાં વર્ષેદહાડે ૨૦૦ કરોડ રૂપિયા જેટલી આવક થશે.