ભાવનગરમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જાણીતા કથાકાર પૂ. મોરારીબાપુ સાથેની ગોષ્ઠી દરમિયાન અને કાર્યક્રમને સંબોધન દરમિયાન ડો. સાદિકે આવું નિવેદન આપ્યું હતું. ભાવનગરમાં મનહર ત્રિવેદી લિખિત ‘ઘરવખરી’ અને ‘તેઓ’ નામના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં ડો. સૈયદ કત્બે સાદિક સાહેબે પોતાના પ્રવચનમાં ખાસ કરી ને ભારતના મુસ્લિમોએ ભારત માટે અત્યારે શું કરવું જોઈએ અને આ દેશનું ઋણ કેવી ચુક્તે કરવું જોઈએ તેનું રસપ્રદ રીતે વ્યકત કર્યું હતું.
‘ભગવદ ગીતાને રાષ્ટ્રીય નહિ, પરંતુ આંતરરાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવો જ જોઈએ’ તેવું તેમણે બહુ ભારપૂર્વક કહ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે મુસ્લિમોની ફક્ત એક જ સમસ્યા છે અને બાકીની બધી સમસ્યાઓ તો કારણ વગરની ઊભી કરાઇ છે. આ એક સમસ્યા એ છે કે મુસ્લિમોમાં શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે અને તેને લીધે તેઓ સિક્કાની બંને બાજુ વિચારી નથી શકતા.’ પાકિસ્તાને આડે હાથ લેતાં તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન જયારે આઝાદ થયું ત્યારે ત્યાં શિક્ષણનું પ્રમાણ ૨૭ ટકા જેવું હતું, જે આજે ઘટીને ૧૯ ટકા જેટલું નીચું જતા વર્તમાન સમસ્યા ઊભી થઈ છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે સૈયદોને જયારે કોઈ દેશે આશરો આપ્યો ન હતો ત્યારે ભારતે તેમને માનભેર આશરો આપ્યો હતો, તેથી હવે સૈયદોની પણ ફરજ બને છે કે આ દેશ માટે કંઈક કરી છૂટવું જોઈએ.