ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં આવેલું ગીર અભયારણ્ય એશિયાટિક લાયનનું નિવાસસ્થાન છે. અહીં ૬૫૦ જેટલા સિંહો વસવાટ કરી રહ્યા હોવાનું વર્ષ ૨૦૧૭માં થયેલી છેલ્લી ગણતરીમાં નોંધાયું હતું. પરંતુ તાજેતરમાં વિધાનસભામાં વનપ્રધાન ગણપત વસાવાએ આપેલા જવાબથી ગુજરાતના ગૌરવ સમાન સાવજની ગરિમાને ઠેસ પહોંચી શકે છે. વસાવાએ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં ૧૮૪ સિંહનાં મોત થયાં છે.
વસાવાના નિવેદનથી એ સ્પષ્ટ છે કે, ગુજરાતમાં દર ચાર દિવસે એક સિંહ મોતને ભેટે છે. હવે જોવું એ રહે કે સરકાર સિંહોની કાળજી માટે શું પ્રયાસ કરતી હશે!? સિંહોનાં મૃત્યુઆંકથી એ દીવા જેવું સાફ છે કે સરકારની સિંહોના સંવર્ધનની યોજનામાં છીંડા છે. જો સરકાર સિંહ સંવર્ધન માટે યોગ્ય પગલાં લેતી હોત તો સિંહોનો મૃત્યુઆંક આંગણીના વેઢે ગણાય એટલો હોત.
યથા રાજા તથા પ્રજા
સિંહના મૃત્યુના આંકથી ચોંકવા સાથે નરી હકીકત એ પણ છે કે સિંહોનાં મૃત્યુ માટે માત્ર સરકાર જવાબદાર નથી, પરંતુ પ્રજા પણ જવાબદાર છે. આપણા માટે ગર્વ સમાન આ સાવજો ગીર અભ્યારણ્યમાં રહે છે.
સાસણ અને ગીરની આસપાસના વિસ્તારમાં મોટેભાગે સરકારી કે ખાનગી વાહનોની હડફેટે આવી જવાથી સિંહનાં મોત થાય છે અથવા તો ખેતી બચાવવા માટે ખેડૂતોએ કરેલી વાડમાં ફસાઈ જવાથી સિંહનાં મોત થાય છે. તેથી અભયારણ્ય વિસ્તારમાં પ્રજાએ પણ સિંહને બચાવવા માટે જવાબદાર બનવું જોઈએ એ એક તારણ પણ નીકળે છે.