જૂનાગઢઃ ગુજરાતમાં ભાગ્યેજ દેખાતું એવું સફેદ સાબર હરણ તાજેતરમાં ગીરનાં જંગલમાં દેખાયું છે. વન વિભાગે જણાવ્યા અનુસાર આ સાબરનું બચ્ચું આઠ મહિનાનું છે. એશિયાઇ સિંહ માટે વિશ્વવિખ્યાત ગીરના અભયારણ્યમાં જતા પશુ અને પ્રકૃતિપ્રેમીઓ આ સફેદ હરણને જોવાનો હાલમાં તો આનંદ માણી રહ્યા છે. જોકે દેખાવમાં સુંદર લાગે એવું આ સફેદ હરણ પાછળનું કારણ જેનેટિક ડિસઓર્ડર (જનીન ફેરફાર) હોવાનું જૂનાગઢના મુખ્ય વનસંરક્ષક એ. પી. સિંહે જણાવ્યું છે. તેમના કહેવા મુજબ બહુ ઓછા જોવા મળતાં આ જૈવિક ફેરફારને આલ્બિનો કહેવામાં આવે છે. ભૂતકાળમાં ગીર જંગલમાં કાળિયાર તેમજ ચિત્તલ પ્રકારના હરણમાં આ પ્રકારનો જનીન ફેરફાર જોવા મળ્યો હતો, પરંતુ સાબર હરણમાં પહેલીવાર આવું થયેલું માલૂમ પડ્યું છે.