જૂનાગઢ: ‘ખુશ્બુ ગુજરાત કી’માં હેટ પહેરીને અમિતાભ બચ્ચન દેખાય ત્યારે તેમની આજુબાજુ સાવજ મદમસ્ત બનીને ચાલે છે. તેની ડણક પણ સંભળાય છે. ટીવી સ્ક્રિન પર બચ્ચન સાથે દેખાનાર એ ગીરના સાવજ મૌલાનાએ ૧૬ વર્ષની વયે અંતિમ શ્વાસ લેતાં ગીરમાં ગમગીની છવાઈ છે.
૧૬ વર્ષ પહેલાં કમલેશ્વર ડેમ વિસ્તારમાં મૌલાના અને ટપુનો જન્મ થયો હતો અને બંને સાથે જ ઊછર્યાં હતા. મૌલાના જેવી સફેદ દાઢી હોવાથી વનવિભાગે તેનું નામ મૌલાના રાખ્યું હતું અને કમલેશ્વર ડેમ વિસ્તારમાં આ સિંહે પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું.
મૌલાનાના વિસ્તારમાં અન્ય સિંહ આવતા ફફડતા હતા. તેની શિકારની સ્ટાઈલ અલગ હતી અને ગીર જંગલનો સૌથી વયોવૃદ્ધ વનરાજ ગણાતો હતો. મૌલાનાનો ૩૯ સભ્યોનો પરિવાર છે. ઉંમરના કારણે છેલ્લા બે વર્ષથી તેણે પોતાનો વસવાટ તાલાળા વિસ્તારમાં બનાવ્યો હતો. છેલ્લા એક માસથી તે બીમારીમાં પટકાયો હતો. વનવિભાગ દ્વારા છેલ્લા બે માસથી તેને સાસણ વેટરનરી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો હતો. ત્યાં ૧૫મી માર્ચે અંતિમ શ્વાસ લીધા હતા. તેના મોતથી સિંહપ્રેમીઓ અને વનતંત્રમાં પણ શોક છવાયો છે.