જૂનાગઢઃ એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ સ્થળ ગીરના વનરાજોમાંય વયોવૃદ્ધ મૌલાનાએ વૃદ્ધાવસ્થાને કારણે ટૂંકી માંદગી બાદ દુનિયામાંથી વિદાય લીધી છે. આ મૌલાના કનકાઈથી કેરંભ સુધી નજરે પડતો હતો. ગુજરાત ટુરિઝમની જાહેરાત ‘ખુશ્બુ ગુજરાતકી’માં ગીર અભયારણ્યના સિંહોને ફિલ્માવાયા હતા. આ જાહેરાતમાં નજરે આવેલા સાત એશિયાટિક સિંહોના ટાળાનું પ્રતિનિધિત્વ મૌલાનાએ કર્યું હતું. મૌલાનાએ ૧૬ વર્ષની ઉંમરે વિદાય લીધી છે.
વર્ષ ૨૦૧૦માં અમિતાભ બચ્ચને બ્લોગ પર ગીરના શૂટની વાત લખી હતી તેમાં ગીરના સિંહોનું વર્ણન હતું. તેમાં સાત સિંહોની દોરવણી મૌલાનાએ કરી હતી. આ અંગે જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળના ઓફિસર સિંઘે જણાવ્યું હતું કે સામાન્ય રીતે સિંહની સરેરાશ ઉંમર ૧૩ થી ૧૪ વર્ષની હોય છે, પરંતુ મૌલાનાની ઉંમર ૧૬ વર્ષની હતી. તેની દાઢી સફેદ થઈ ગઈ હતી તેથી તેનું નામ મૌલાના રાખવામાં આવ્યું હતું. આ સિંહ છેલ્લા દસેક દિવસથી વૃદ્ધાવસ્થાને કારણે બીમાર પડતાં સાસણ વેટરનરી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, જોકે સારવાર કારગત ન નીવડતાં ૧૬મી નવેમ્બરે તે મૃત્યુ પામ્યો હતો.