જૂનાગઢઃ ગુજરાતનાં ૬૭૪ સાવજોને નજીકથી નિહાળવાનો લહાવો કંઈક અલગ જ હોય છે. આ લહાવો માણવાની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધા પછી ૧૯૩ દિવસ પછી એટલે કે ૧લી ઓક્ટોબરથી દેવાળિયા સફારી પાર્ક અને ૧૬ ઓક્ટોબરથી ગીરનું જંગલ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. વન વિભાગે જણાવ્યું કે, કોરોનાને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનું પાલન કરાશે. પહેલાં જીપ્સીમાં ૬ પ્રવાસીઓને બેસવાની મંજૂરી અપાતી હતી. હાલમાં નવી ગાઈડગાઈન મુજબ જીપ્સીમાં માત્ર ૩ પ્રવાસી અને એક બાળકને પરવાનગી મળશે. બસમાં ૫૦ ટકા પર્યટકો સાથે બેસાડાશે. સિંહદર્શનમાં પણ દરેક સ્થળે સામાજિક અંતર જાળવવા તકેદારી રખાઈ છે. સિંહદર્શનનું બુકિંગ ખુલતાંની સાથે જ એક કલાકમાં જ સારો રિસ્પોન્સ જોવા મળ્યો હોવાનું ૨૮મીએ વન વિભાગે જણાવ્યું હતું. ત્રણ માસના એડવાન્સ બુકિંગ માટે સિસ્ટમ ચાલુ કરાઈ છે. વાહનોની સંખ્યા એટલી જ રહેશે, પરંતુ પ્રવાસીઓની સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો કરાયો છે.