આ વિસ્તારના ધાવા ગીર, વીરપુર, આંકોલવાડી, રમળેચી ગીર અને તાલાલા શહેરમાંથી અંદાજે ૧૦ હજાર કેસર કેરીના આંબા કપાઈ ગયા છે. છેલ્લાં પાંચ વર્ષથી અનુકૂળ આબોહવા નહીં હોવાથી કેસર કેરીના પાકને માઠી અસર થઈ છે. આંબાના બગીચા ઉપર જીવન નિર્વાહ ચલાવતા ખેડૂતો વારંવાર પાક નિષ્ફળ જતાં દેવામાં ડુબી ગયા છે. ધાવા ગીરના ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ ગામની કુલ ૧૨૦૦ હેક્ટર ખેતીની જમીન પૈકી એક હજાર હેક્ટર જમીનમાં અંદાજે એક લાખ ૨૦ હજાર કેસર કેરીના મોટા આંબા છે. ગામમાં કેસર કેરીની સીઝન સારી હોય ત્યારે અંદાજે રૂ. ૧૫ કરોડનો કેરીનો પાક તૈયાર થાય છે. આ વર્ષે તો વધુમાં વધુ માત્ર દસ ટકા કેરીનું ઉત્પાદન થાય તેવી સ્થિતિ છે, આથી ખેડૂતો હવે આંબા કાપી રહ્યા છે. ધાવા ગીરમાંથી બે હજારથી વધુ આંબાના મોટા વૃક્ષો કપાયા છે, હજી અનેક ખેડૂતો આંબા કાપવાની તૈયારીમાં હોવાથી આ વર્ષે મોટી સંખ્યામાં આંબા કપાઈ જશે.
પાલિતાણામાં ૨૫ વર્ષ પછી યોજાયો ૧૮ અભિષેક કાર્યક્રમઃ જૈન તીર્થધામ પાલિતાણા ખાતે આદીશ્વરદાદાનો જન્મકલ્યાણક તથા દિક્ષા કલ્યાણક દિવસે જૈનોમાં ઉત્સાહ સાથે ૧૮ અભિષકનો કાર્યક્રમ યોજાયો હતો. શેત્રુંજય ગિરીરાજ પર્વત પર આવેલા ૧૭,૫૦૦ જિન પ્રતિમાઓને ૯૦થી વધુ નદીઓના જળ, પ્રાચીન વનસ્પતિના ચૂર્ણ તેમ જ વિશિષ્ટ ધૂપ, પુષ્પ દ્વારા ૧૮ અભિષેકનો ૩૦ હજારથી વધુ ભક્તોએ લાભ લીધો હતો. ૭ આચાર્ય, ૭૦૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની વિશિષ્ટ ઉપસ્થિતિમાં ૨૫ વર્ષ બાદ અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો.
પશ્ચિમ ભારતના સંઘચાલક પદે ડો. જયંતી ભાડેશિયાઃ રાષ્ટ્રીયસ્વંય સેવક સંઘ (આરએસએસ)ના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક તરીકે ડો. જયંતીભાઇ ભાડેશિયાની વરણી થઈ છે. પશ્ચિમ ક્ષેત્રમાં મહારાષ્ટ્ર, કોંકણ, દેવગિરિ, વિદર્ભ અને ગુજરાતનો સમાવેશ થાય છે. મૂળ વાંકાનેરના તબીબ સર્જન, લેખક અને વક્તા જયંતીભાઇ ભાડેશિયા મોરબીનગર સંચાલક, સૌરાષ્ટ્રમાં સંઘના વિવિધ હોદ્દે સેવા આપી ચૂક્યા છે. પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક તરીકે સૌરાષ્ટ્રના નેતાની પ્રથમવાર નિમણૂક કરાઈ છે.
જામનગરના પૂર્વ સાંસદ દોલતસિંહ જાડેજાનું નિધનઃ જામનગરના પૂર્વ સાંસદ દોલતસિંહ જાડેજાનું ૧૪ માર્ચના રોજ જામનગરમાં અવસાન થયું હતું. છેલ્લા કેટલાક સમયથી બીમાર દોલતસિંહની તબિયત લથડતાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. નાજુક તબિયતના સમાચાર મળતાં તેમના બંને પુત્રો ક્રિકેટર અજય જાડેજા, અજીત જાડેજા અને તેમની સાથે ક્રિકેટર આશિષ નહેરા જામનગર આવ્યા હતા. બપોર બાદ દોલતસિંહ જાડેજાએ અંતિમ શ્વાસ લીધા હતા. સદ્ગતના અંતિમ સંસ્કાર તેમના વતન લાંબા ગામે કરવમાં આવ્યા હતા. દોલતબાપા તરીકે જાણીતા દોલતસિંહનું જામનગર જિલ્લામાં વર્ષો સુધી પ્રભુત્વ રહ્યું હતું. રાજવી પરિવારના દોલતસિંહ ૧૯૭૧, ૧૯૮૦ અને ૧૯૮૪ લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છે કે લોકસભાની જામનગર બેઠક ઉપરની ગત વર્ષની ચૂંટણીને બાદ કરતાં અગાઉની ૧૫ ચૂંટણીઓમાં સૌથી વધુ સરસાઈથી ચૂંટણી જીતનાર તરીકે કોંગ્રેસના દોલતસિંહ જાડેજાનું નામ રહ્યું હતું. ૧૯૭૧ની ચૂંટણીમાં તેઓ ૮૩,૯૪૪ મતોની સરસાઈથી ચૂંટાયા હતા.