અમદાવાદ: જૂનાગઢ જીલ્લામાં રામકથા સંદર્ભે રોકાણ દરમિયાન પૂ. મોરારિબાપુએ ગીર અભયારણ્યમાં ૧૫મી ઓકટોબર સુધી પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં બે દિવસ સુધી ગેરકાયદેસર રીતે વન અધિકારીઓ સાથે મળીને સિંહદર્શન કર્યું હતું. જેને પગલે આરટીઆઇ એક્ટિવિસ્ટ ભનુભાઇ ઓડેદરાએ હાઇ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને વન અધિકારીઓને સસ્પેન્ડ કરવા અને તપાસપંચની રચના કરવા માગ કરી છે. ચીફ જસ્ટિસને લખેલા પત્રમાં એવી રજુઆત કરાઇ છે કે જૂનાગઢ વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં અંદાજે ૩૬ જેટલા સિંહો વસવાટ કરે છે.
૧૫મી ઓકટોબર સુધી અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતા મોરારિબાપુ અને તેમની સાથે અન્ય ૧૦ વ્યકિતઓએ ૮મી અને ૯મી ઓકટોબરે સિંહદર્શન કર્યા હતા. મોરારિબાપુ સિંહો જોવા આવવાના હોવાથી વનવિભાગના અધિકારીઓએ આગલા દિવસથી સિંહોના લોકેશન મેળવ્યા હતા.