ગીરમાં ગેરકાયદે ૫૫ પ્રવાસન એકમો બંધ કરાયા

Monday 09th March 2015 08:34 EDT
 

જૂનાગઢ પંથકના ગીર અભ્યારણ્યમાં સરકાર પ્રવાસન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે ત્યારે સિંહોના મુક્ત હરવા ફરવા સામે પણ વિઘ્નો ઊભા થતાં હાઇ કોર્ટે આકરું વલણ અપાનાવ્યું છે. આ મુદ્દે ગુજરાત હાઈ કોર્ટ દ્વારા થયેલી સુઓમોટો રીટમાં રાજ્ય સરકારે એફિડેવિટ કરી હતી કે આ વિસ્તારમાં ગેરકાયદે રીતે લોકોને રહેણાંકની વ્યવસ્થા આપતા ૫૫ જેટલા એકમોને તંત્રએ બંધ કરાવ્યા છે. એફિડેવિટમાં એવી રજૂઆત કરી હતી કે, ગીર અભ્યારણ્ય ૩ જિલ્લાઓને સ્પર્શે છે જેમાં ગીર સોમનાથ જિલ્લામાં પ્રવાસન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ૪૮ જેટલા એકમોને સરકારે નોટિસ આપી હતી. તેમજ તેમની પાસે જો યોગ્ય મંજૂરી હોય તો તે રજૂ કરવા માટે જિલ્લા કલેકટરે સૂચના આપી હતી. જે પૈકી ૩૭ જેટલા એકમો પાસે કોઈ જ મંજૂરી ન હતી. આ એકમોના લાઇટ કનેકશન કાપી તેમને આ હોટેલ ઉદ્યોગ બંધ કરવા કહેવાયું છે.

પાકિસ્તાન દ્વારા ૪૮ ખલાસીઓનાં અપહરણ

 હોળી-ધૂળેટીના તહેવારે જ પાકિસ્તાને પોત પ્રકાશ્યું હતું. હોળીની મોડી રાત્રેના ભારતીય જળસીમા નજીક આઠ જેટલી બોટો માછીમારી કરી રહી હતી એ દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીની શીપ ધસી આવી હતી અને ભારતીય બોટોએ ભાગવાનો પ્રયત્ન કરતા પાક. મરીનના જવાનોએ હવામાં ફાયરીંગ કર્યું હતું અને ત્યાર બાદ ૮ બોટ અને ૪૮ જેટલા ખલાસીઓના અપહરણ કરી ગયા હતા.

બે ફિશ એક્સ્પોર્ટરોની રૂ. ૨૫ કરોડની ટેક્સ ચોરી પકડાઇ

 ઇન્કમટેક્સ વિભાગે વેરાવળસ્થિત રાજ્યના બે મોટા ફિશ એક્સપોર્ટરોને ત્યાં દરોડા પાડી અંદાજે રૂ. ૨૫ કરોડની ટેક્સ ચોરી શોધી છે જ્યારે રૂ. ચાર કરોડનું કાળુ નાણુ ઝડપ્યું છે. વેરાવળના બે ગ્રૂપ- ગોપાલ સીફૂડના માલિક લખન દામજી અને કેશોદવાલા ફૂડસના મોહમ્મદ નદીમ યુસુફ મરચન્ટના રહેઠાણો, કોલ્ડ સ્ટોરેજ, ગોડાઉન અને ધંધાના તેમ જ અન્ય ૧૭ સ્થળોએ દરોડાની કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો વિભાગે પકડ્યા હતા.

વાડાસડાના વતની સૈનિકનું સ્વાઇન ફ્લૂથી મોત

 માણાવદર તાલુકાના વાડાસડાના વતની અને ૧૯૮૭માં ભારતીય સેનામાં જોડાયેલા બાવનભાઈ દાનાભાઈ ડાંગરનું જમ્મુ-કાશ્મીરમાં ગત સપ્તાહે ફરજ દરમિયાન સ્વાઈન ફ્લૂથી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેમણે દેશના પૂર્વ અને ઉત્તર સીમાડે ફરજ બજાવી હતી. કારગિલ યુધ્ધ વખતે પણ તેમણે બરફીલા પહાડો વચ્ચે ટ્રાન્સપોર્ટીંગની ફરજ બજાવી હતી. તાજેતરમાં તેઓ રજા લઈ વાડાસડા ગામે આવ્યા હતા અને રજા પૂરી થયા બાદ ફરી ફરજમાં હાજર થયા હતા. દરમિયાન તાવ, ઉધરસ અને શરદી થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સ્વાઈન ફ્લૂ હોવાનું બહાર આવ્યું હતું. 

સાસણગીરમાં સિંહદર્શન મોંઘું થયું

એશિયાટિક સિંહના વસવાટ માટે જાણીતા સાસણગીરના જંગલમાં સિંહને વિહરતા જોવો મોંધા બન્યા છે. ગુજરાત સરકારે ગીર અભ્યારણ્ય, નેશનલ પાર્ક અને દેવળિયા પાર્કમાં સિંહદર્શન માટે પ્રવાસીઓ પાસે વસૂલાતી વ્યક્તિ દીઠ પ્રવેશ ફી રૂ. ૧૦થી વધારીને રૂ. ૧૦૦ કરી છે. માત્ર એન્ટ્રી જ નહિ, સેન્ચ્યુરી અને પાર્ક સંલગ્ન વન વિભાગ કે સરકાર હસ્તકના રેસ્ટ હાઉસ કે સર્કિટ હાઉસમાં રોકાણ, ભોજન માટેના દરથી લઈને ફોટોગ્રાફી કરવા, ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માણથી લઈને સામૂહિક સિંહદર્શન માટે લઈ જવામાં આવતા ખાનગી અને સરકારી વાહનોના દરમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter