જૂનાગઢઃ પારિવારિક ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા માટે પોતાના વતન ચણાકા ગામ ખાતે આવેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૨૫મી ડિસેમ્બરે જૂનાગઢની જનતા માટે બે મહત્ત્વની જાહેરાત કરતા આગામી ત્રણ માસમાં ગિરનાર અભયારણ્યમાં સિંહદર્શન શરૂ કરવાની સાથે બે વર્ષમાં રોપ વેની કામગીરી પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ગિરનારની માફક ધારીના આંબરડી વિસ્તારમાં પણ સફારી પાર્ક બનાવવા કવાયત કરવામાં આવશે.
ભેંસાણ તાલુકાના ચણાકામાં સુસપુરા અને કુળદેવીના મંદિરે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ગિરનાર જંગલમાં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરાયું છે. રાજ્ય સરકારની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. હવે ફક્ત કેન્દ્ર સરકારમાંથી ત્રણેક માસમાં મંજૂરી આવી જતા જ સાસણ-ગીરની માફક અહીં પણ સિંહદર્શન થઈ શકશે. આ ઉપરાંત ધારીના આંબરડી વિસ્તારમાંથી પણ સિંહદર્શન માટેનો સફારી પાર્ક બનાવાની કાર્યવાહી રાજ્ય સરકાર કરશે.