ગાંધીનગર : વનવિભાગ દ્વારા તાજેતરમાં કરાયેલી સિંહોની પ્રાથમિક ગણતરીમાં અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. એક અંદાજ મુજબ હાલ ૬૦૦ જેટલા સિંહો સમગ્ર ગીરમાં વસવાટ કરતા હોવાની વિગત સામે આવી છે. ગીર કાંઠાના ગામો તથા બૃહદ ગીરમાં ૬૦થી વધુ સિંહબાળો નોંધાયા હોવાના અહેવાલો છે. ૨૦૧પમાં સિંહોની વસતિ ગણતરી થઈ ત્યારે પ૧૧ સિંહો નોંધાયા હતા અને છેલ્લા પાંચ વર્ષમાં આ સંખ્યા અનેકગણી વધી હોવાનું અનુમાન છે. આવતા વર્ષે ૨૦૨૦માં વસતિ ગણતરી થશે ત્યારે સાવજોની સંખ્યા ૮૫૦ થવાની સંભાવના છે. ગુજરાત વન વિભાગની કામગારી સિંહ સંરક્ષણ ક્ષેત્રે બિરદાવાઈ છે. જોકે સિંહોની સંખ્યમાં વધારો થયો તે અંગે હજી સત્તાવાર અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે ‘કેનાઇન ડિસ્ટેમ્બર’ વાઇરસના કારણે દલખાણિયા રેન્જમાં એક સાથે ૨૫થી વધુ સિંહોનાં મોત થતાં સિંહોની સંખ્યા ઘટી હતી અને છતાં સિંહોની સંખ્યામાં વધારો થયો હોય તો તે સરાહનીય છે.
૨૦ સિંહનું ટોળું જંગલ છોડી ફરવા નીકળ્યું
ઉલ્લેખનીય છે કે ગીર જંગલમાં સાવજોની સંખ્યા વધતી જણાય છે ત્યારે સાવજો હવે રહેણાક વિસ્તારમાં લટાર મારવા નીકળતા જોવા મળે છે. ગીરકાંઠા નજીક માર્ગ પરથી એકસાથે ૨૦ સાવજો ૧૭મીએ નજરે પડતાં લોકોએ પણ સિંહદર્શનનો લહાવો લીધો હતો. ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં આમ તો એકલ દોકલ સાવજો લટાર મારતા જોવા મળે છે, પરંતુ ૨૦ સાવજોનું ટોળું એકસાથે માર્ગ પર ઉતરતાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં જંગલ કરતાં રેવન્યુ વિસ્તારોમાં મોટી સંખ્યામાં સાવજો વસવાટ કરે છે.