જૂનાગઢ : વર્ષ ૨૦૦૭માં સિંહોના શિકારની ઘટના બાદ ૨૦૨૧ની શરૂઆતમાં ગીરમાં સિંહનાં શિકારના પ્રયાસ સામે આવતાં વન વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. સૂત્રાપાડા પંથકમાં ધામા નાંખીને રહેતા પરપ્રાંતીયોએ શિકાર માટે ગોઠવેલા કારસામાં સિંહબાળ ફ્સાઈ જતાં તેની માતા સિંહણે વિફરીને એક જણા પર હુમલો કર્યો હતો. સિંહણે હુમલો કર્યો તે ઘાયલ થયો હતો. જોકે સમયસર વન વિભાગને જાણ થઈ જતાં સ્ટાફે તુરંત સિંહબાળને જાળામાંથી મુક્ત કરાવીને એક મહિલા સહિત ૪ને ઝડપી લઈને પૂછતાછનો દોર શરૂ કર્યો છે.
સુત્રાપાડાના પ્રાંચી નજીક આવેલા ખાંભામાં રેવન્યુ વિસ્તારમાં આ ઘટના બની હતી. એક સિંહબાળ જાળામાં ફ્સાયું હોવાના સમાચાર વન વિભાગને મળતાં જ તાત્કાલિક ફોરેસ્ટ સ્ટાફ સ્થળે દોડી ગયો હતો. સ્થળે એક વર્ષની ઉંમર ધરાવતો સિંહબાળ કણસતો મળ્યો હતો. જેનું વન વિભાગે વેટરનરી ડોકટરોની ટીમ બોલાવીને રેસ્ક્યુ કર્યું હતું. આ અંગે સ્ટાફે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આ સિંહબાળની માતા સિંહણે સવારે એક જણ પર હુમલો કરીને તેને ઘાયલ કરી દીધો હતો. એ પછી એ માણસનું પગેરું કાઢવામાં આવ્યું હતું. એ માણસ સારવાર માટે તાલાળા સરકારી હોસ્પિટલમાં સવારે ૮.૦૦ કલાકે પહોચ્યો હતો ત્યાં તેની ૩૦ મિનિટ સારવાર ચાલી હતી. તેને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. આ માહિતી મેળવ્યા પછી અન્યો સંડોવાયેલાઓની શોધખોળ થઈ હતી.
ગીર નેચર સફારીના રિસેપ્શન સ્થળે સિંહે લટાર મારી
જૂનાગઢઃ ગિરનારની રમણીય પ્રકૃતિની વચ્ચે વહેલી સવારમાં સામ રાજા સિંહ મળે તો સોનામાં સુગંધ ભળે. ગિરનાર નેચર સફારી પાર્ક શરૂ થયાને હજી તો ગણતરીના દિવસો જ થયાં છે ત્યારે પ્રવાસીઓને મન ભરીને સિંહદર્શનનો લાભ મળી રહયો છે. આ જગ્યાએ સિંહ દેખાયાના વારંવાર વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયામાં આ જગ્યા પ્રખ્યાત બની ગઈ છે. રવિવારે વહેલી સવારે પણ સિંહ પ્રવાસીઓનું સ્વાગત કરવા સામેથી સફારી પાર્કના રિસેપ્શન સ્થળ સુધી પહોંચી ગયો હતો. તે લટાર મારતો હતો તે સૌએ નજરે જોયું હતું. એન્ટ્રી ગેઇટ પાસે સવારે અંધારામાંથી એક ડાલમથ્થો સાવજ ગરજતો આવી પહોચ્યો હતો. સવાર સવારમાં સિંહનાં દર્શન થતાં આ દૃશ્ય નિહાળી પ્રવાસીઓ પણ રોમાંચિત થયા હતા.
સિંહે પહેલાં તો રસ્તા પર લટાર મારી એ પછી રિસેપ્શન સ્થળની દિવાલ કૂદીને અંદર આંટાફેરા માર્યાં પછી ધીમે ધીમે જંગલ તરફ જતો રહ્યો હતો. આ સમગ્ર નજારો કોઇ પ્રવાસીએ મોબાઇલમાં કેદ કરી લીધો હતો. ત્યારબાદ સફારી શરૂ થતાં અંદર મુલાકાતે ગયેલા પ્રવાસીઓને સૂર્યના કિરણો વચ્ચે મોર્નિંગ વોક કરતા બે સિંહો જોવા મળ્યા હતા. આમ, રવિવારે પ્રવાસીઓને જૂનાગઢ નેચર સફારી ખાતે મનભરીને સિંહ દર્શનનો અનેરો મોકો પ્રાપ્ત થયો હતો.