અમરેલીઃ ગુંદરણમાં અગ્રણી ગણવામાં આવતા કાઠીઓની હત્યા કરીને પે રોલ પર છૂટેલા ગુંદરણના ઇમરાન મામદ દલ, તળાજાના નવા રાજપરા ગામના હરેકૃષ્ણ ગોંડિલાયા અને કરજાળા ગામના રફીક ઉમર શેખ પહેલી એપ્રિલે એક જ બાઈક પર દોલતી-ભમ્મર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે વખતે બોલેરો જીપના ચાલકે તેમને અડફેટે લઈને રોડ પર પછાડ્યા હતા. એ પછી ત્રણેય પર અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું અને ત્રણેયને મારી નાંખીને લાશનો નિકાલ કરી નાંખ્યો હતો. વીજપડીના જમાદાર મનસુખ સોલંકી દ્વારા આ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાના આશરે બે મહિના પછી પોલીસે આ કેસમાં શૈલેશ નાથુ ચાંદુની તાજેતરમાં ધરપકડ કરી હતી.
પૂછપરછમાં શૈલેશ ચાંદુએ કાઠી બંધુઓની હત્યા અને ત્રિપલ મર્ડર કેસની ઘટનાનું વર્ણન કરતાં અશોક બોરીચા, વનરાજ વાળા, રાજુ અબ્દુલ નાગરિયાના નામ ખૂલતાં પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા. આ ઉપરાંત આ કેસમાં શિવરાજ ઉર્ફે મુન્ના રામકુ વીંછીયા, સાવરકુંડલાના મયુર શેલણા, સાવરકુંડલાના કમલેશ ગોલણવાળાના નામ બહાર આવતાં પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.