ભાવનગરઃ પોણી સદી સુધી ગુજરાતી વાચકોને ઉત્તમ વાચન પૂરું પાડનારા લોકોત્તર પ્રકાશક, સંક્ષેપકાર, સંપાદક, અનુવાદક મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણીનું ત્રીજી ઓગસ્ટે મોડી સાંજે 99 વર્ષની ઉંમરે વૃદ્ધાવસ્થાને કારણે ભાવનગર ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું. હમણાં 20 જૂને જ મહેન્દ્રભાઈએ 100મા વર્ષ પ્રવેશે ફોન પર તેમના ચાહકોનાં વધામણાં ઝીલ્યાં હતાં.
વાચકોને વધુ સારા માણસ અને નાગરિક બનાવી શકે તેવાં વાચનનો વ્યાપક જથ્થો, મહેન્દ્રભાઈએ કલ્પી ન શકાય એટલી ઓછી કિંમતોએ પૂરો પાડ્યો. તેમના આ આજીવન પુસ્તક અભિયાનના માધ્યમો હતાં ‘મિલાપ’ માસિક, ‘લોકમિલાપ ટ્રસ્ટ’નાં પ્રકાશનો અને ભાવનગરમાં તેમણે શરૂ કરેલો ‘લોકમિલાપ’ પુસ્તક ભંડાર. પોતાની પ્રકાશન પ્રવૃત્તિને તેઓ ‘પુણ્યનો વેપાર’ ગણાવતા. સારા વાચનના ફેલાવા માટે મહેન્દ્રભાઈએ લોકોની સામે સાહિત્ય-પઠનના કાર્યક્રમોની વાચનયાત્રાઓ કરી તેમ જ ઘરઆંગણે, અને દેશવિદેશમાં પુસ્તકમેળા યોજ્યા.
મહેન્દ્રભાઈએ સર્જેલી વાચન સામગ્રીનું સ્વરૂપ ગુજરાતી અને અંગ્રેજીમાં લખાયેલાં ઉત્તમ લખાણોના સંક્ષેપ, અનુવાદ અને સંપાદનના પુસ્તકોનું છે. પુસ્તકો તેમના માટે આનંદનું સાધન કે વેચાણ માટેનું ઉત્પાદન નથી, પણ સમાજ પરિવર્તનનું એક માધ્યમ છે. મહેન્દ્રભાઈએ અનેક વખત કહ્યું છે: ‘બુલેટથી (બંદૂકની ગોળીથી) ટૂંકા સમય માટે જ ક્રાન્તિ આવે છે, બેલેટથી (મતદાનથી) આવેલી ક્રાન્તિ બહુ સફળ નથી હોતી એ આપણો અનુભવ છે, એટલે મારે હવે બુક્સ દ્વારા ક્રાન્તિ લાવવી છે.’
મહેન્દ્રભાઈનો જન્મ મુંબઈમાં, શાળાનું શિક્ષણ ભાવનગર, બોટાદ અને મુંબઈમાં; અમદાવાદની એલ.ડી. આર્ટસ કોલેજ 1942માં અધવચ્ચે છોડીને પિતાની લેખનની અને પત્રકારત્વની પ્રવૃત્તિમાં સાથી બન્યા. 1948માં ન્યૂ યોર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ કરવા ગયા. સ્વદેશ પાછા આવીને 26 જાન્યુઆરી 1950ના રોજ મુંબઈથી ‘મિલાપ’ માસિક શરૂ કર્યું. એ ‘રિડર્સ ડાયજેસ્ટ’ ઢબનું, એ સમયમાં ભાગ્યે જ કોઈ ભારતીય ભાષામાં હોય તેવું સંકલન-સામયિક હતું. તેમાં 29 વર્ષ લગી વિવિધ સામાયિકોમાંથી સુંદર સામગ્રી વીણીવીણીને, અનુવાદ કરીને, ટૂંકાવીને, માવજત કરીને ગુજરાતી વાચકોને પૂરી પાડી. એ સામગ્રી એટલી બધી હતી કે તેમાંથી નવી સદીમાં પહેલાં દોઢ દાયકામાં 10 જેટલાં પુસ્તકો થઈ શક્યાં. તેમાંથી ‘અરધી સદીની વાચનયાત્રા’ના ચાર ભાગ હજારો ગુજરાતી વાચકોના પુસ્તકોની છાજલીને સમૃદ્ધ કરી હતી.
ખીસાપોથી એ મહેન્દ્રભાઈની અત્યંત સુંદર દેણ હતી. ‘કાવ્યકોડિયા’ નામની 40 ખીસાપોથીઓએ ગુજરાતી કવિતાને ઘરે ઘરે પહોંચાડી. એ ઉપરાંત પણ 50 જેટલી ખીસાપોથી કરી જેની કુલ 15 લાખ નકલો લોકોએ વસાવી. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, નાગરિક અધિકારો, ગાંધીવિચાર અને સેક્યુલારિઝમ જેવાં મૂલ્યો માટે તેમણે શબ્દના માધ્યમથી બતાવેલી નિડર કર્મશીલતા ઓછી જાણીતી પણ વિરલ છે.