ભાવનગરઃ આમ તો દરેક વ્યક્તિ અનોખી પ્રતિભા સાથે જન્મ લેતી હોય છે પરંતુ, તે પ્રતિભાનો વિકાસ કરવો આપણા જ હાથમાં હોય છે. સામાન્ય રીતે ૧૦૦થી ૫૦ સુધી ઉલટા ક્રમે બોલવાનું હોય તો પણ આપણે મૂંઝવણ અનુભવીએ છીએ ત્યારે ગુજરાતના ભાવનગરમાં જન્મેલી ૨૭ વર્ષની હિતાંશી વ્યાસ ઉલટી ગણતરી જ નહિ ઈંગ્લિશ, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષાઓમાં પણ કોઈ શબ્દ, વાક્ય અથવા ગીતને ગણતરીની સેકન્ડમાં ઊંધેથી બોલી અને ગાઈ સંભળાવે છે.
હિતાંશી વ્યાસ ચાર્ટર્ડ એકાઉન્ટ્સી (સીએ)ની ડીગ્રી માટે અભ્યાસ કરે છે અને એકાઉન્ટન્સી પેઢીમાં કામ પણ કરે છે. આ ઉપરાંત, સમાજને બહેતર બનાવવામાં કાર્યરત બે NGOમાં સક્રિય સભ્ય પણ છે. હિતાંશી કહે છે કે દરેક પેરન્ટ્સે તેમના બાળકોને સ્વપ્ના સાકાર કરવાની પ્રેરણા આપવી જોઈએ. તમામ માતાઓ અને છોકરીઓએ પણ આના માટે સખત મહેનત કરવી જરૂરી છે જેથી પરિવાર ગૌરવ અનુભવે.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથેની વાતચીતમાં હિતાંશીએ ચાર અલગ ભાષામાં ઊંધેથી બોલવાની ક્ષમતા બાબતે જણાવ્યું હતું કે, ‘હું સાત વર્ષની હતી ત્યારથી જ લોકો સાથે ઊંધેથી વાતો કરતી હતી અને તેઓને સમજ ન પડે ત્યારે તેમની સામે હસતી હતી. મેં એક શોમાં ઊંધેથી ગીત ગાતી મહિલાને જોઈ ત્યારે મેં મારાં પિતાને કહ્યું કે આ તો હું પણ કરી શકું છું. મારા પિતાએ મને ગાવાનું કહ્યું ત્યારે તેમને થયું કે તેમની દીકરી ખરેખર ઈશ્વરની કૃપાથી વિશિષ્ટ પ્રતિભા સાથે જન્મી છે.’
હિતાંશી કહે છે કે તે તત્કાળ ચારમાંથી કોઈ પણ ભાષામાં ઉલટું બોલી શકે છે અને તેમા માટે કોઈ પ્રેક્ટિસ કરવાની જરૂર રહેતી નથી. તેણે ૨૦૧૦માં અભ્યાસને પ્રાધાન્ય આપી ઊંધેથી બોલવાનું કે ગાવાનું છોડી દીધું હતું પરંતુ, ૧૦ વર્ષના ગાળા પછી ૨૦૨૦થી ફરી શરૂઆત કરી છે. જોકે, આ ગાળાએ તેની ક્ષમતા પર કોઈ અસર કરી નથી.
હિતાંશીના માતા રેખાબહેન વ્યાસે બાલમંદિરના બાળકોને શીખવા અને રચનાત્મક જ્ઞાન કેળવવામાં મદદરૂપ બને તેવી શૈક્ષણિક કઠપૂતળીઓ બનાવતા વિશિષ્ટ સાહસ શિવમ ક્રિએશન્સની સ્થાપના કરી છે. રેખાબહેન ૨૦૦૧માં વર્કશોપમાં રમકડાં બનાવતાં શીખ્યાં હતાં. તેમના સાસુ અને કાકા શૈક્ષણિક ક્ષેત્રમાં છે જેમણે કઠપૂતળીના ખ્યાલ સાથે કશું રચનાત્મક કરવાની સલાહ આપી હતી.
શરૂઆતમાં તેમને પારિવારિક અને આરોગ્યની મુશ્કેલીઓ પણ નડી હતી જેને તેમણે વિસારી દીધી છે. વર્તમાનમાં રેખાબહેન ભારતીય દેવીદેવતા, રાષ્ટ્રીય નાયકો સહિત ૨૭૦થી વધુ વિવિધ કઠપૂતળીઓ બનાવે છે. બાળકોમાં રચનાત્મકતા કેળવાય તે માટે હાથબનાવટના પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, શાકભાજી, પુષ્પો તેમજ વાર્તાઓ અને બાળગીતોમાં કામ લાગે તેવા પપેટ્સ બનાવે છે. આ કામગીરીમાં તેમની સાથે અન્ય બહેનો પણ કામ કરે છે જે નારી સશક્તિકરણને આગળ વધારે છે.